અમદાવાદ, ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઈ કે, જુનિયર/ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણીના કારણે પરીક્ષા સ્થગિત કરાઈ છે. હવે પરીક્ષાની નવી તારીખ મતદાન બાદમાં જાહેર કરવામાં આવશે. ત્યારે મંડળની જાહેરાતથી પરીક્ષામાં બેસનારા ઉમેદવારો નિરાશ થયા છે.
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, સરકારી ભરતી માટે જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. તારીખ ૨૦, ૨૧, ૨૭ અને ૨૮ એપ્રિલના રોજ લેવામાં આવનાર પરીક્ષા હાલ સ્થગિત કરાઈ છે. સાથે જ ૪ અને ૫ મેના રોજ લેવાનાર પરીક્ષા પણ સ્થગિત કરાઈ છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે પરીક્ષા સ્થગિત કરાઈ છે. જોકે, મતદાન દિવસ બાદ પરિક્ષા ફરી લેવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, જોકે અત્યારસુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. આજના દિવસની પરીક્ષા પણ યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાય છે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. મોકુફ રહેલી તારીખના ઉમેદવારો માટે નવો કોલ લેટર બનાવાશે. તેમજ નવી તારીખો પાછળથી જાહેર કરવામાં આવશે. લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગ્રુપ એ અને ગ્રુપ બીના પદો પર ભરતી માટે ઝ્રઝ્રઈ ૨૦૨૪ પરીક્ષા ૧ એપ્રિલથી ૮ મે ૨૦૨૪ સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે ૨૨ કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા હતા. તેમજ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોટર્લ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ હતી. ત્યારે કોલ લેટર જાહેર કરાયા બાદ હવે પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત થતા ઉમેદવારો નિરાશ થયા છે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.