- આ ચૂંટણી વડાપ્રધાન મોદીને ૪૦૦ પારના લક્ષ્ય સાથે લડવામાં આવી રહી છે
ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.ગૃહપ્રધાન અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ગઇકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો.
ગઇકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો થકી અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. અમિત શાહે 10 કલાકમાં લગભગ તેમની તમામ વિધાનસભા બેઠકો પર મેગા રોડ શો થકી શક્તિ પ્રદર્શન યોજ્યું હતુ. સવારે સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે સાંજે રાણીપથી બીજો રોડ શો યોજ્યો. જે ઘાટલોડિયા, નારણપુરા થઇને વેજલપુર સુધી યોજાયો. અમિત શાહે વેજલપુરમાં જાહેર સભાને સંબોધિત કરી.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે મારા માટે ગર્વની વાત છે કે આ સીટનું પ્રતિનિધિત્વ લાલકૃષ્ણ અડવાણી, અટલજીએ કર્યું હતું અને જે સીટ પરથી નરેન્દ્ર મોદી પોતે મતદાર છે. હું 30 વર્ષથી આ બેઠક પરથી ધારાસભ્ય અને સાંસદ છું. શાહે વધુમાં કહ્યું કે અહીં હું એક નાના બૂથ કાર્યકરમાંથી સંસદમાં પહોંચ્યો છું.આ વિસ્તારના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને ભાજપે આ વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે.
આ વખતે ચૂંટણી નરેન્દ્રભાઈને ત્રીજી વખત પીએમ બનાવવાના છે. ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભા ચૂંટણી 2024માં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં એક મેગા રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું કે અમે પ્રચંડ બહુમતીથી જીતવાના છીએ, અમે ગુજરાતની તમામ 26 બેઠકો જીતીશું. ગુજરાતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી વડાપ્રધાન મોદીને ૪૦૦ પારના લક્ષ્ય સાથે લડવામાં આવી રહી છે. ભારતને વિકસિત બનાવવામાં આ ચૂંટણી મહત્વની રહેશે. પહેલા ગુજરાતે સીએમ મોદીનું શાસન જોયું. તેના પછી હવે સમગ્ર દેશ વડાપ્રધાન તરીકે તેમનું શાસન જોઈ રહ્યો છે. તેમણે દેશને નવી દિશા આપી છે. તેમનું યેય દેશને વિકસિત બનાવવાની સાથે વિશ્ર્વગુરુ બનાવવાનું પણ છે. આના માટે તે ગુજરાત માટે જેમ દિવસના ૨૦-૨૦ કલાક કામ કરતા હતા તેમ દેશ માટે કામ કરી રહ્યા છે. તેમણે દેશને નવા જ ડિજિટલ યુગમાં મૂકવાનું સ્વપ્ન જોયું છે. તેથી ૪૦૦ બેઠક બીજું કશું જ નહીં પણ તેમના આ સપના પર લોકો દ્વારા મારવામાં આવનારી મ્હોર છે.