નાસિક, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ શરૂ થઈ ગઈ છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જોકે, ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષોએ હજુ સુધી તેમના તમામ લોક્સભા ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. હવે ટિકિટ મળવામાં વિલંબને કારણે મહારાષ્ટ્રમાં એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ નારાજ થયા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની નાસિક લોક્સભા સીટ પરથી અજિત પવારની એનસીપી તરફથી છગન ભુજબળનું નામ આગળ હતું. જો કે હવે ભુજબળે પોતે પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયનો ચહેરો ગણાતા નેતા છગન ભુજબળે કહ્યું કે તેઓ નાસિકની લોક્સભા બેઠક માટે ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન અને અમિત શાહ અને અન્ય તમામ નેતાઓનો મારામાં જે વિશ્ર્વાસ દાખવ્યો છે તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. ભુજબળે વધુમાં કહ્યું કે, ઘણો સમય વ્યય થઈ રહ્યો છે અને માત્ર ચર્ચાઓ થઈ રહી છે. એટલા માટે હું આ લડાઈમાંથી ખસી રહ્યો છું.
મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું છે કે નાસિક સીટ અંગેનો મામલો હજુ સુધી સ્પષ્ટ થયો નથી. એમવીએ ત્રણ અઠવાડિયા પહેલા તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી અને પ્રચાર શરૂ કર્યો હતો. આપણે જેટલો લાંબો સમય લઈશું તેટલું વધુ નુક્સાન આપણે કરીશું. તેથી આ મડાગાંઠ તોડવી પડી. મેં નક્કી કર્યું કે મારે આ લડાઈનો ભાગ નથી બનવું. મેં નક્કી કર્યું છે કે હું નાસિકથી ઉમેદવાર નહીં બનીશ.
ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, લોક્સભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રથમ, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૯મી એપ્રિલે ૫ બેઠકો પર, બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે ૮ બેઠકો પર, ત્રીજા તબક્કામાં ૭મી મેના રોજ ૧૧ બેઠકો પર, ચોથા તબક્કામાં ૧૩મી મેના રોજ ૧૧ બેઠકો પર અને પાંચમા તબક્કામાં ૧૧ બેઠકો પર મતદાન થશે. ૨૦મી મેના રોજ ૧૩ સીટો પર મતદાન થશે.