જામનગર લોક્સભા બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમે ઉમેદવારીપત્રક ભર્યું

જામનગર, જામનગર લોક્સભા બેઠક ઉપર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ પૂનમબેન માડમે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવા માટે જતાં પહેલાં તેઓએ પોતાની માતાના આશિર્વાદ લીધા હતાં. ઉમેદવારીપત્ર ભર્યા બાદ તેઓએ હાલારવાસીઓના સમર્થનથી પાંચ લાખની જંગી સરસાઇથી જીત મળશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. સ્વસ્તિક સોસાયટીમાં આવેલા નિવાસસ્થાને આજે ઉમેદવારી નોંધાવતા પહેલાં સાંસદ પૂનમબેન માડમે પોતાના પિતા સ્વ.હેમંતભાઇ માડમની તસ્વીર સમક્ષ પ્રાર્થના કરી હતી તેમજ તેમના માતાના આશિર્વાદ મેળવ્યા હતાં.

પૂનમબેને ભગવાનની પણ પૂજા કરી આશિર્વાદ લીધા હતાં. આ પછી તેઓ ભાજપના સિનિયર નેતાઓની સાથે ભાજપના મયસ્થ ચૂંટણી કાર્યાલયે પહોંચ્યા હતાં અને ત્યાંથી જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવવા ગયા હતાં.

ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે પૂનમબેન માડમની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, પરમાણંદ ખટ્ટર, વસુબેન ત્રિવેદી, ચિમન સાપરિયા, જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, વિધાનસભાના દંડક જગદીશ મકવાણા, જામનગરના મેયર વિનોદ ખિમસુર્યા, જામનગર લોક્સભા બેઠકના ભાજપના સંયોજક ડો.વિનોદ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા વિગેરે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતાં.

આજે બપોરે ૧૨:૩૯ કલાકે વિજયમુહૂર્તમાં પૂનમબેન માડમે જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવ પંડ્યા સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ મીડિયા સાથેની વાતચિતમાં પૂનમબેન માડમે કહ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લહેર છે અને આ વખતની ચૂંટણીમાં જનતા જર્નાદન મોદીની ગેરેંટી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસકામોથી પ્રભાવિત થઇને પાંચ લાખથી વધુ મતની સરસાઇથી મને જીત અપાવશે તેવો વિશ્ર્વાસ છે.