ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં અગાઉ મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરીની ઘટનાઓ વધી હતી ત્યારે ફરીથી ટોળકી સક્રિય થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ચિલોડા અને ધણપ ખાતે બે મોબાઈલ ટાવરમાંથી ૫૫ હજારની કિંમતની બેટરીની ચોરી થતા ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ હાલ સાવ સામાન્ય બની ગઈ છે. આંતરે દિવસે કોઈને કોઈ વિસ્તારમાંથી ચોરીની વિગતો બહાર આવી રહી છે ત્યારે ઘણા સમયથી બંધ થઈ ગયેલી મોબાઈલ ટાવરની બેટરી ચોરી જતી ગેંગ ફરીથી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર નજીક આવેલા ચિલોડા અને ધણપ ખાતે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૧૧ જેટલી બેટરી ચોરવામાં આવી છે. આ સંદર્ભે કંપનીના એસ્ટેટ મેનેજર મહંમદ કલીમાં મોહમ્મદ નઝીર શેખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, કંપનીના ચિલોડા ખાતે આવેલા મોબાઈલ ટાવરમાંથી પાંચ જેટલી બેટરી ચોરીની ઘટના બની હતી અને આ જ પ્રકારે ધણપ ખાતે પણ ટાવરમાંથી છ જેટલી બેટરી ચોરવામાં આવી હતી. કંપનીની સિસ્ટમમાં આ બેટરી ચોરી થઈ હોવા અંગે જાણ થયા બાદ તેમણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા હાલ ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૃ કરવામાં આવ્યું છે અને અગાઉ બેટરી ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.