રાજકોટ પોલીસને પડકાર ફેંક્તા તસ્કરો: વેપારીના મકાનમાંથી ૩.૧૫ લાખની ચોરી

રાજકોટ શહેરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. હજુ ગાંધીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક પાસે જેલ કર્મચારીના મકાનમાંથી રૂા.૪.૯૮ લાખની ચોરી થયાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.વેપારી પરિવાર સાથે રાજસ્થાનમાં રહેતા બહેનના ઘરે પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતાં ને તસ્કરો રૂા.૨.૨૧ લાખની રોકડ અને દાગીના ઉઠાવી જતાં પોલીસે તસ્કરોની ભાડ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરા મેઈન રોડ પર સૈફી પાર્ક સોસાયટીમાં બ્લોક નં.૧૭માં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર જોહર ગ્લાસ નામની કાચની દુકાન ધરાવી વેપાર કરતાં યુસુફ કુતુબુદ્દીન સોમેસર વાળા (ઉ.૨૯) નામના યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગત તા.૧૨-૪ના સાજે પરિવાર સાથે મકાનને તાળુ મારી રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા તેના બહેનના ઘરે મિસાકનો પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતાં અને આજે સવારે પરત ઘરે આવ્યા ત્યારે ડેલા પર લગાવેલો તાળાનો નકુચો તુટેલો હોય જેથી ઘરમાં પ્રવેશ કરતાં દરવાજાના તાળાનો પણ નકુચો તુટેલો હોય જેથી ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતાં તસ્કરો મકાનમાંથી માલસામાન વેરવિખેર કરી નીચેના રૂમમાં રાખેલા કબાટમાં રાખેલા હિસાબના રૂા.૨.૨૧ લાખની રોકડ તથા સોનાના બુટીયા, સોનાની બે ગીની, બે ચાંદીનો સેટ, ચેન પેન્ડલ, ચાંદીની લેડીઝ વિંટી સહિત સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા.૩,૧૪,૭૦૦ની ચોરી કરી ગયા હોય જેથી તેમને પોલીસમાં જાણ કરતાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો આસપાસમાં લગાવેલા સીસીટીવી ફુટેજ અને ડોગ સ્કવોડની મદદથી તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.