સ્થાનીય શેરબજાર આજે ઘટાડા સાથે ખૂલ્યા બાદ બાઉન્સબેક થયા હતા. સેન્સેક્સમાં ૧૩૯૩.૭૧ પોઈન્ટની વોલેટિલિટીના અંતે ૭૩૦૦૦ની સપાટી પાછી મેળવી હતી. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં ૨૫૪૯.૧૯ પોઈન્ટ તૂટયા બાદ સેન્સેક્સ આજે ઘટયા મથાળેથી ૭૨૧.૧૮ પોઈન્ટ અને ગઈકાલના બંધ સામે ૫૯૯.૩૪ પોઈન્ટ સુધરી ૭૩૦૮૮.૩૩ પર બંધ રહ્યો હતો.નિફ્ટી ૫૦ પણ ૧૫૧.૧૫ પોઈન્ટ સુધરી ૨૨૧૪૭.૦૦ પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી રિકવર થતાં માર્કેટ કેપ ૨૯૩.૪૯ લાખ કરોડ નોંધાઈ હતી. ઈઝરાયલનો ઈરાન પર હુમલાના સમાચારના પગલે આજે સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૬૭૦થી વધુ અને નિફ્ટી ૧૨૦ પોઈન્ટથી વધુ તૂટયો હતો.
ફાઈનાન્સ અને બેક્નેક્સ શેરોમાં લેવાલીના સથવારે માર્કેટ ટર્નઅરાઉન્ડ થયુ હતું. આવતીકાલે કંપની પરિણામ જાહેર કરનારી એચડીએફસી બેક્નનો નફો ૩૦ ટકાથી વધુ વધવાના આશાવાદ વચ્ચે શેરમાં વોલ્યૂમ વધ્યા હતા. શેર ૨.૬૦ ટકા સુધર્યો હતો.
ઈઝરાયલના હુમલાથી કોઈ મોટુ નુકસાન ન થયુ હોવાના અહેવાલો તેમજ ઈરાનની કોઈ પ્રતિક્રિયા ન આવતાં શેરબજારમાં રોકાણકારોએ શોર્ટ પોઝિશન સાથે ખરીદી વધારી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. જો કે, વર્તમાન પડકારોમાં રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ કરી છે.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો. આ સિવાય રિયાલ્ટી અને આઈટી શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. રિયાલ્ટી અને આઈટી ઈન્ડેક્સ ૦.૫૦થી ૧ ટકા સુધી તૂટયા હતા. વિદેશી રોકાણકારોએ યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં ૨૦૦૨૩ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.
બીએસઈ ખાતે ટ્રેડેડ ૧૭૪ શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા હતા. જ્યારે ૧૯ શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. ૨૭૨ સ્ક્રિપ્સ અપર સર્કિટ અને ૨૪૭માં સ્ક્રિપ્સ લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ ૩૯૦૩ ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી ૧૭૧૩ સુધારા અને ૨૦૭૪ ઘટાડે બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ સાથે કરેક્શનનું વલણ દર્શાવે છે.