સાબરકાંઠાના બિઝનેસમેને દીક્ષાનો માર્ગ અપનાવ્યો, ૨૦૦ કરોડની સંપત્તિનું દાન કર્યું

હિંમતનગર, જૈન સમાજમાં આપણે ઘણીવાર જોયું છે કે, નાના બાળકોથી માંડીને જીવનની અડધી સદી વટાવી ચુકેલા વ્યક્તિઓને દીક્ષાના ભાવ થતાં તેઓ સુખી સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક જૈન કપલનો વીડિયો ખુબ વાયરલ થયો છે. અહેવાલોનું માનીએ તો આ જૈન કપલે તેમણી ૨૦૦ કરોડ રુપિયાની સંપત્તિ દાન કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા જૈન બિઝનેસમેન ભાવેશ ભંડારીએ તેમની ૨૦૦ કરોડ રુપિયાની સંપત્તિ દાનમાં આપીને પત્ની સાથે દીક્ષા લેવાના છે. આ સાથે જ ભાવેશ ભંડારીનો આખો પરિવાર દીક્ષાર્થી કહેવાશે. કારણકે તેમના બન્ને બાળકોએ પણ બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી.

ભાવેશ ભંડારી ઘણીવાર જૈન સમુદાયના સાધુઓ અને ગુરુઓ માટે યોગદાન આપતા હતા. તેમના પુત્ર અને પુત્રીએ બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. વર્ષ ૨૦૨૨માં બાળકોની દીક્ષા પછી, ભાવેશ ભંડારી અને તેમની પત્નીએ હવે સાંસારિક જોડાણો છોડીને ત્યાગ અને ધર્મના માર્ગને અનુસરવાનું પસંદ કર્યું છે.

ભાવેશ ભંડારીનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેઓ સાબરકાંઠાના હિંમતનગરમાં રહે છે. ભાવેશ ભાઈ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમનો બિઝનેસ અમદાવાદમાં ફેલાયેલો છે. એટલું જ નહીં આખા સાબરકાંઠામાં તેમના પ્રોજેક્ટસ ચાલે છે. ત્યારે આ લક્ઝરી લાઇફનો ત્યાગ કરીને ભાવેશ ભાઈ તેમજ તમેના પત્નીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે, ભાવેશ ભંડારીના ૧૬ વર્ષના દીકરા અને ૧૯ વર્ષની દીકરીએ વર્ષ ૨૦૨૨માં દીક્ષા લીધી હતી, જેણે ભાવેશ ભાઈ અને તેમની પત્નીને દીક્ષા લેવાની પ્રેરણા આપી હતી. એટલે ભંડારિ દંપતિએ બાળકોને અનુસરીને સંયમના પંથે ચાલવાનું નક્કી કર્યું છે.

અહેવાલો અનુસાર, ભાવેશ ભંડારીએ તેમની ૨૦૦ કરોડ રુપિયાની સંપત્તિનું દાન કરી દીધું છે. સંપત્તિનું દાન આ દંપતીએ ફેબ્રુઆરી મહિનામાં જ કરી દીધું હતું. ત્યારથી તેઓ દીક્ષાર્થી જેવું જ જીવન જીવે છે. હવે અમદાવાદમાં ૨૨ એપ્રિલે યોજાનારા ભવ્ય દીક્ષા સમારોહમાં ભંડારી કપલ દીક્ષા લેશે. આ દીક્ષા પહેલા ભંડારી દંપતિના દીક્ષા સમારોહની શોભાયાત્રા તાજેતરમાં હિંમતનગરમાં નીકળી હતી. આ શોભાયાત્રા ચાર કિમી લાંબી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. ભાવેશ ભંડારી અને તેમના પત્નીની શોભાયાત્રાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.

તમને જણાવી દઈએ કે, ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી અયાત્મનગરીમાં આયાત્મિક્તા અને દિવ્યતાના માહોલમાં પ્રારંભ થયો હતો. આચાર્ય વિજય યોગતિલક્સૂરીશ્ર્વરજી મહારાજના હસ્તે ૨૨ એપ્રિલે ૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના પ્રૌઢ સુધીના ૩૫ મુમુક્ષુઓ દીક્ષા લેશે. ૧૫ આચાર્ય ભગવંતો અને ૪૦૦ જેટલાં સાધુ-સાવીજીઓની નિશ્રામાં યોજાનારા પાંચ દિવસના દીક્ષા મહોત્સવમાં મુંબઈના ૮ ઉપરાંત અમદાવાદના ૯, સુરતના ૧૨, હાલોલના ૩, ભાભરના બે અને રાયપુરના એક મુમુક્ષુનો સમાવેશ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભાવેશ ભંડારી અને તેમના પત્ની પણ આ દીક્ષા સમારોહમાં ઔપચારિક રીતે દીક્ષા લેશે.