વોશિગ્ટન, અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સંપૂર્ણ સભ્યપદના પ્રસ્તાવને વીટો કરી દીધો છે.૧૫-રાષ્ટ્રીય પરિષદે પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સંપૂર્ણ સભ્યપદ આપવાના પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું. પ્રસ્તાવને પસાર કરવા માટે ઓછામાં ઓછા નવ કાઉન્સિલ સભ્યોના સમર્થનની જરૂર હતી. પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્રનો કાયમી સભ્ય બનાવવાના પ્રસ્તાવની તરફેણમાં ૧૨ મત પડ્યા હતા, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટને મતદાનમાં ભાગ લીધો ન હતો. જો કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકા દ્વારા આ પ્રસ્તાવને વીટો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો. હાલમાં પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રનો બિન-સભ્ય દેશ છે. પેલેસ્ટાઈનને વર્ષ ૨૦૧૨માં આ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ કોઈપણ ઠરાવ પર મતદાન કરી શકે નહીં. પેલેસ્ટાઈન ઉપરાંત વેટિકન સિટી પણ સંયુક્ત રાષ્ટ્રનો બિન-સભ્ય દેશ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિ રોબર્ટ વૂડે વીટો પાવરના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ’અમેરિકા માને છે કે પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપવાનો શ્રેષ્ઠ માર્ગ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સીધી વાટાઘાટો દ્વારા છે, જેમાં અમેરિકા અને અન્ય સાથી દેશોએ મદદ કરવી જોઈએ. અમેરિકાનો આ મત પેલેસ્ટાઈનને અલગ દેશનો દરજ્જો આપવા વિરુદ્ધ નથી, પરંતુ અમે માનીએ છીએ કે આ બંને પક્ષો વચ્ચે સીધી વાટાઘાટો દ્વારા જ થવું જોઈએ.
રોબર્ટ વૂડે કહ્યું કે અમે ઘણા સમય પહેલા કહ્યું હતું કે પેલેસ્ટાઈનને દેશનો દરજ્જો મેળવવા માટે ઘણા સુધારા કરવા પડશે. હાલમાં ગાઝામાં આતંકવાદી સંગઠન હમાસ સત્તા પર છે અને ઠરાવમાં હમાસને પેલેસ્ટાઈનનો અભિન્ન અંગ ગણાવ્યો છે. આ કારણસર અમેરિકાએ પ્રસ્તાવને વીટો કરી દીધો છે. વુડે કહ્યું કે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કર્યું હતું કે આ ક્ષેત્રમાં બે દેશોના પ્રસ્તાવ દ્વારા જ શાંતિ આવી શકે છે. લોકશાહી યહૂદી રાજ્યની સુરક્ષા અને ભાવિ માટે બીજો કોઈ રસ્તો નથી. પેલેસ્ટિનિયનો માટે શાંતિથી જીવવાનો બીજો કોઈ રસ્તો નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિ, રિયાદ મન્સૂરે, ઠરાવને વીટો કરવાના યુએસના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી, પરંતુ ઠરાવને સમર્થન આપનારા દેશોનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્યપદ આપવાનો અર્થ શાંતિમાં રોકાણ છે. પેલેસ્ટાઈને આ પહેલા ૨૦૧૨માં પણ સંયુક્ત રાષ્ટ્રના પૂર્ણ સભ્ય બનવાની માંગ ઉઠાવી હતી, પરંતુ તે સમયે પણ સુરક્ષા પરિષદમાં સર્વસંમતિ બની શકી ન હતી. કોઈપણ દેશને યુનાઈટેડ નેશન્સનો સંપૂર્ણ સભ્ય બનાવવા માટે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ તેમજ જનરલ એસેમ્બલીની મંજૂરી મેળવવી જરૂરી છે. મતદાન સમયે બે તૃતીયાંશ સભ્યો હાજર રહે તે પણ જરૂરી છે.