પાર્ટીઓમાં હાજરી ન આપવાથી કામથી હાથ ધોવા પડે છે,પરિણીતિ ચોપડા

મુંબઇ,પરિણીતિ ચોપડાનું કહેવું છે કે બૉલીવુડની પાર્ટીઓમાં હાજરી ન આપવાથી મારે ઘણા પ્રોજેક્ટ્સમાંથી હાથ ધોવા પડ્યા હતા. તેની છેલ્લી ઘણી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર નથી ચાલી, પરંતુ ’અમર સિંહ ચમકીલા’ના પાત્ર માટે તેનાં વખાણ થયાં છે. તેને કરીઅરમાં ઘણી વાર ખોટી સલાહ મળી હતી અને તેણે ઘણા ખોટા પ્રોજેક્ટ સાઇન કર્યા હોવાથી તે સારી ફિલ્મોનો ભાગ નહોતી બની શકી.

આ વિશે વાત કરતાં પરિણીતિ કહે છે, ‘બૉલીવુડની પાર્ટીઓમાં, ડિનર્સ પર અને લંચ દરમ્યાન કામને લઈને અથવા તો રોલને લઈને ચર્ચા કરવામાં આવે છે, પરંતુ હું એમાં નથી જતી. હું ઇચ્છું છું કે પ્રોડ્યુસર્સ અથવા તો ડિરેક્ટર્સ મને કામ માટે ફોન કરે, કારણ કે હું સખત મહેનત કરવા તૈયાર છું. ૧૦ વર્ષ પહેલાં મને ‘ઇશકઝાદે’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. હું આજે પણ એ જ ઍક્ટર છું.’

બૉલીવુડમાં એક લૉબી ચાલે છે અને જે લોકો પાર્ટીમાં હાજરી નથી આપતા તેમણે કામથી હાથ ધોવા પડે છે એ વિશે વાત કરતાં પરિણીતિ કહે છે, ‘બૉલીવુડમાં કામ કરવું એ ફક્ત મેરિટ અથવા તો ઍક્ટિંગ પર આધારિત નથી હોતું. તમારે પાત્રની ઑફર મેળવવા માટે કૅમ્પમાં જોડાવું પડે છે. હું ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ હાજર નહોતી એની અસર મેં જોઈ છે. મારે એવા ઍક્ટર્સનો અવાજ બનવું છે જેઓ કોઈ કૅમ્પમાં નથી જોડાયા. હું એવી આશા રાખું છું કે બૉલીવુડમાં જે લૉબીની સિસ્ટમ ચાલે છે એ તૂટે અને દરેકને સમાન તક અને કામ મળે.’ બૉલીવુડમાં કામ કરવું એ ફક્ત મેરિટ અથવા તો ઍક્ટિંગ પર આધાર નથી રાખતું. તમારે પાત્રની ઑફર મેળવવા માટે કૅમ્પમાં જોડાવું પડે છે.