સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અકસ્માતમાં મોતની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વઢવાણમાં ધોળકાની મહિલાની નજર સામે જ પુત્રવધુનાં માથા પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતા મોત થયુ હતુ.
ધોળકાના મીરકુવા વિસ્તારમાં રહેતા રોશનબેન મહમદ હનીફભાઈ મલેકના ભાઈ સુરેન્દ્રનગરની નુરે મહમદી સોસાયટીમાં રહે છે. તા. ૧૨મી એપ્રીલે તેમના ભાઈ ઈનાયતભાઈના ઘરે નવા મકાનનું વાસ્તુ હોઈ રોશનબેનનો પરીવાર સુરેન્દ્રનગર આવ્યો હતો. બપોરે જમ્યા બાદ રોશનબેન અને તેમના દિકરાની વહુ રૂક્સારબાનુ સ્કુટી લઈને વઢવાણ ખરીદી કરવા ગયા હતા. જયાંથી સાંજે પરત ફરતા હતા. ત્યારે વઢવાણના બારી રોડ પર પાછળથી આવતા એક ડમ્પરના ચાલકે સ્કુટી પાસેથી ડમ્પર ચલાવી કાવુ મારતા બન્ને મહિલાઓ સ્કુટી સાથે નીચે પટકાઈ હતી. જેમાં ડમ્પરનું પાછળનું ટાયર રૂક્સારબાનુના માથા પરથી ફરી વળતા માથુ છુંદાઈ ગયુ હતુ. જેમાં રોશનબેનને પણ ઈજા થતા ૧૦૮ દ્વારા દવાખાને લઈ જવાયા હતા. બનાવની અજાણ્યા ડમ્પર ચાલક સામે રોશનબેને તા. ૧૭મીએ સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે.
બીજી તરફ ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલ ડાભી સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષીય મહેશભાઈ રાજુભાઈ ઉર્ફે જાદુભાઈ સજાણી મજુરી કરે છે. તેમના પિતા ૬૦ વર્ષીય રાજુભાઈ ઉર્ફે જાદુભાઈ સજાણી કડીયાકામ કરે છે. ગત તા. ૨૧મી માર્ચે તેઓ કામ માટે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલ ત્રિવેદી મારબલમાં ગયા હતા. જયાંથી સાંજના સમયે બાઈક પર પરત આવતા હતા. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ રોડ પર રેલવે બ્રીજ પાસે કોઈ અજાણ્યા વાહને તેઓને ઠોકર મારતા તેઓ બાઈક સાથે પટકાયા હતા અને કપાળના ભાગે, હાથે, નાકના ભાગે ઈજા થતા તેઓને સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની મહેશભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.