રાજકોટ,, ગુજરાતમાં રૂપાલાના વિવાદની આગ હજી શમી નથી. ગુજરાતમાં વિવિધ શહેરોમાં હજી પણ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આવામાં રાજકોટમાં એક મોટી ઘટના બની છે. રાજકોટ વિધાનસભાના કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. આ યુવકોએ કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોડી રાતે રાજકોટ વિધાનસભા ૭૧ના કાર્યાલય પર મોટો હુમલો થતા રહી ગયો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યલય ઉપરના બિલ્ડીંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યાલય પર કારમાં આવેલ કેટલાક શખ્સો તોડફોડ કરવા પહોંચી ગયા હતા. જોકે, યુવકો તોડફોડ કરે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. પુરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવી ગામના સીમાડે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના શાહપોર ગામના મહિલા અને પુરુષો દ્વારા વિરોધ કરાયો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રૂપાલાના પૂતળાનું દહન કરી ભાજપની પ્રવેશબંધી બેનરો લગાવાયા, તેમજ પુરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.