દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં એક લેબોરેટરીમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા લેબોરેટરીનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂા.2 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં બાંસવાડા રોડ પર આવેલ હેલ્થ કેર લેબોરેટરીમાં ગતરોજ વહેલી સવાર લેબોરેટરીનો કર્મચારી લેબોરેટરીમાં રાબેતા મુજબ ફરજ પર ગયો હતો. ત્યારે લેબોરેટરીનું શટર ખોલવા જતાં શટર પરના તાળા ન હોવાને પગલે આશ્ચર્ય સર્જાયુ હતું. કર્મચારીએ લેબોરેટરીમાં જઈ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તાત્કાલિક કર્મચારીએ લેબોરેટરીના માલિકને જાણ કરી હતી. માલિક તાત્કાલિક લેબોરેટરી ખાતે પહોંચી ગયાં હતાં અને લેબોરેટરીમાં તપાસ કરતાં લેબોરેટરીમાંથી રોકડા રૂા.2 લાખ ચોરી થયાં હોવાનું જણાઈ આવ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.