દાહોદ, દાહોદ જીલ્લાના મોટીહાંડી ગામે મામાના ઘરે વેકેશન માણવા આવેલા બે બાળકો ગામમાં આવેલ તળાવમાં ન્હાવા પડતાં બંન્ને બાળકો તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંન્ને બાળકોના મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. ત્યારે બંન્ને બાળકોના મોતની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઝાલોદના મોટીહાંડી ગામે ધામણખોબરા ફળિયામાં પોતાના મામાના ઘરે વેકેશન માણવા આવેલા રાધેભાઈ દિલીપભાઈ નરસીંગભાઈ (રહે.મોટીહાંડી, ધામણખોબરા ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) અને દિપીકાબેન તાનસીંગભાઈ કટારા આ બંન્ને પિતરાઈ ભાઈ-બહેન આજરોજ ગામમાં આવેલ એક તળાવમાં ન્હાવા ગયાં હતાં. જોતજોતામાં તળાવના ઉંડા પાણીમાં બાળકો ગરકાવ થઈ જતાં બુમાબુમ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનીક તરવૈયાઓએ બંન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યાં હતા, પરંતુ બંન્ને બાળકોના તળાવમાં ડુબી જવાના કારણે મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ બંન્ને બાળકોના પરિવારજનો આવી પહોંચ્યાં હતા. જ્યાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્ને મૃતક પિતરાઈ ભાઈ-બહેનનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે તેવા સમયે બાળકોનું માતા-પિતા તેમજ સ્વજનો દ્વારા ખાસ ધ્યાન રાખવા જેવું છે. બાળકો રમતા રમતા જળાશયો, છાબા પર ચઢી જતાં હોય છે, તેમજ રમતા રમતા જાહેર રસ્તાઓ ઉપર પણ પહોંચી જતાં હોય છે. આવા સમયે બાળકો સાથે દુર્ઘટના સર્જાઈ જતી હોય છે. ત્યારે આવા સમયે વાલીઓ દ્વારા પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે અત્યંત આવશ્યક છે અને સાવચેતીના ભાગરૂપે બાળકોના આવા સ્થળોએ એકલા જવા દેવા જોઈએ નહીં. ત્યારે ઉપરોક્ત ઘટનાને પગલે સ્થાનીક પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.