લખનૌ,
ઉત્તર પ્રદેશની મૈનપુરી સંસદીય સીટની પેટાચૂંટણી માટેના ઉમેદવારોની ચર્ચા તેજ થઈ ગઈ છે. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી થયેલી મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટી પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે ભાજપ દ્વારા અપર્ણા યાદવના નામની ચર્ચા થઈ રહી છે. જો કે, હજુ સુધી કોઈપણ પક્ષે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ પારિવારિક લડાઈ નિશ્ર્ચિત હોવાનું માનવામાં આવે છે.
આ દરમિયાન પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના પ્રમુખ શિવપાલ સિંહ યાદવે અખિલેશ યાદવ પર નિશાન સાયું છે. મૈનપુરી સંસદીય સીટની પેટાચૂંટણી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ’અમે હજુ પણ વિચારી રહ્યા છીએ કે અમે એકલા ચૂંટણી લડીએ કે પછી સમાજવાદી પાર્ટી સાથે. જે પણ નિર્ણય હશે તે જલ્દી બધાની સામે આવશે.’
બીજી તરફ એ સવાલ પણ છે કે શિવપાલ યાદવ મુલાયમ સિંહ યાદવના મોટા ભાઈ રતન સિંહ યાદવના પૌત્ર તેજ પ્રતાપ યાદવ અને મુલાયમ સિંહ યાદવની બીજી વહુ અપર્ણા સિંહ યાદવમાંથી કોને સમર્થન આપશે.