- 3 માસની બાળકી સહિત 8ને ઈજાઓ : સિવિલમાં ખસેડાયા
ગોધરા, ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર ટુવા ગામ પાસેથી વહેલી સવારે દાહોદ જિલ્લાના શ્રમિકો ટ્રેકટરમાં સવાર થઈને ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટેન્કર ચાલકે ટ્રેકટરને ટકકર મારતા ટ્રેકટર રોડ ઉપર પલ્ટી જતાં ટ્રેકટરમાં સવાર શ્રમિક પરિવારો પૈકી એક દંપતિનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે 3 માસના બાળક સહિત 8 વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ચીખલીયા, ઉસ્માનિયા અને ખંગેલા ગામના શ્રમિકો ટ્રેકટરમાં બેસીને ગોધરા-અમદાવાદ હાઈવે ઉપર થઇને ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે હાઈવે રોડ ઉપર ટ્રેકટર પાછળ આવતા ટેન્કર ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવીને ટ્રેકટરને ટકકર મારતા ટ્રેકટર રોડ ઉપર પલ્ટી ખાતા સવાર શ્રમિકો પૈકી એક દંપતિ કરણભાઈ જશુભાઈ દેવધા અને સુરેખાબેન કરણભાઈ દેવધાને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે ટ્રેકટર સવાર અન્ય ત્રણ માસની બાળકી સહિત 8 વ્યકિતઓને ઈજાઓ થવા પામી હતી. ટુવા પાસે અકસ્માતની જાણ થતાં કાંકણપુર પોલીસ અને 108 ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ માસની બાળકી અને એક વ્યકિતને ગંભીર ઈજાઓ થયેલ હોય વધુ સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતક પતિ-પત્નિના મૃતદેહને પી.એમ.અર્થે કાંકણપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ટુવા પાસે ટેન્કર અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રેકટર પાછળ રિફલેકટર ન હોવાના કારણે ટેન્કર ચાલકને વાહનનો અંદાજ નહિ આવતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યુ છે.
ટુવા પાસે સર્જાયલ અકસ્માતમાં ઈજાગ્રસ્તો :
રાધિકા બાબુભાઈ નેરડા, રોનકભાઈ રાજેશ મેદા, અરૂણ જસુભાઈ મેદા, પુજા જશુભાઈ મેદા, બાલકિશન મેદા, અજય મુકેશભાઈ મેદા, પુનાભાઈ ભાભોર, જેતુ ગુંદિયા
મૃતક :
કરણભાઈ જશુભાઈ દેવધા, સુરેખાબેન કરણભાઈ દેવધા