ફતેપુરા તાલુકાના બારસલેડા ગામે બાળલગ્ન અટકાવાયા

દાહોદ, બાળ લગ્ન સમાજ માટે અભિશાપ છે. અને બાળકના બાળપણને સંપુર્ણ રીતે નષ્ટ કરી નાંખે છે. કુમળી વયનો બાળક કે બાળકી સામાજિક, આર્થિક અને જવાબદારીઓથી કચડાઈ જાય છે. તેવા સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બારસલેડા ગામમાં બાળ લગ્નની માહિતી અપાઈ હતી. તાત્કાલિક બાળ લગ્ન અટકાવવા અંગે તંત્ર અને પોલીસ વિભાગ સક્રિય રીતે કાર્યરત થઈ સંભવિત બાળ લગ્ન અટકાવવામાં સફળતા મેળવી ફતેપુરા તાલુકાના બારસલેડા ગામમાં સગીર બાળકના લગ્ન તેના પિતા અને કુટુંબીજનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદના માર્ગદર્શનથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ફતેપુરા પો.સ્ટે.ના પી.એસ.આઈ.સાથે વ્યુહાત્મક રીતે ચર્ચા કરી અને પરિસ્થિતિઓનુ સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળક સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસની ટીમને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી. જાન નીકળવાની તૈયારીમાં જ હતી. પરંતુ પોલીસની ગાડી જોતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ હતી.