વોશિંગ્ટન, સફદર હાશ્મીની કવિતામાં ફૂટી નીકળેલાં પુસ્તકોનું આ દુ:ખ આજકાલ અમેરિકાની પબ્લિક સ્કૂલોમાં વધી રહ્યું છે. અમેરિકાની સ્કૂલોમાં પુસ્તકો પર પ્રતિબંધ મૂકવાની ઘટનાઓ વધી રહી છે. પીઈએન અમેરિકા અનુસાર જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચે છ મહિનામાં જ અમેરિકાના ૪૨ પ્રાંતોની સ્કૂલોમાં ૪,૩૪૯ પુસ્તકો પર પ્રતિબંધ લગાવાયો.
આ પુસ્તકોને સ્કૂલના પુસ્તકાલયમાંથી હટાવી દેવાયાં. જ્યારે ૨૦૨૨માં સંપૂર્ણ શૈક્ષણિક વર્ષમાં આટલાં પુસ્તકો પર પ્રતિબંધ નહોતો લગાવાયો. પુસ્તકો પર પ્રતિબંધનું મોટા ભાગે કારણ તેમાં યૌનઉત્પીડન, હિંસક સામગ્રી હોવાનો આરોપ જણાવાય છે. સ્કૂલ સંચાલકોની દલીલ હોય છે કે પેરેન્ટ્સની ફરિયાદોના આધારે સંબંધિત પુસ્તકને સ્કૂલમાંથી હટાવાય છે. ત્યારે, કોર્સ બહારની દુનિયાદારીની જાણકારી આપવા રૂપે પુસ્તક વાંચવાનું સમર્થન કરનારાઓનું કહેવું છે કે આવામાં બાળકોના માનસિક વિકાસ પર અસર પડશે.
માત્ર કોર્સનાં પુસ્તકો જ વાંચવા-ભણાવવા શિક્ષણના મૂળ હેતુથી જ ભટકાવે છે. પ્રતિબંધિત પુસ્તકોમાં બેસ્ટ સેલર ભારતવંશી લેખિકા રૂપી કૌરની કવિતાઓનું પુસ્તક પણ સામેલ છે. રૂપીની કવિતાઓનો વિષય મોટા ભાગે એવી મહિલાઓ છે જે હુમલો, યૌનઉત્પીડન, હિંસા, દુર્વ્યવહારથી પીડાય છે અને કવિતાઓમાં એવી આઘાતજનક સ્થિતિમાંથી બહાર આવવાની રીતો હોય છે.
પ્રતિબંધિત પુસ્તકોમાં ટોની મોરિસનનું ‘ધ બ્લૂએસ્ટ આઈ’, ગે જૂનો ડાવસનનું ‘ધીસ બુક ઇઝ ગે’ અને લોરી હેલ્સ એન્ડરસનનું ‘સ્પીક’ સામેલ છે. મોમ્સ ફોર લિબર્ટી અને યુટા પેરેન્ટ્સ યુનાઇડેટ જેવા રૂઢિવાદી સંગઠન પ્રતિબંધનું સમર્થન કરે છે. પેન અમેરિકાએ સ્કૂલોમાંથી પુસ્તકો હટાવવાનાં ૧૦,૦૦૦થી વધુ ઉદાહરણો ગણાવ્યાં છે. સૌથી વધુ લોરિડાની ૧૧ સ્કૂલોમાંથી ગયા સેમેસ્ટરમાં ૩,૧૩૫ પુસ્તકો હટાવી દેવાયાં. એસ્કોમ્બિયા કાઉન્ટી પબ્લિક સ્કૂલોમાં જ ૧,૬૦૦થી વધુ પુસ્તકો હટાવાયાં.