અમે ચોક્કસપણે યુએન સુરક્ષા પરિષદ સહિત યુએન સંસ્થાઓના સુધારાને સમર્થન આપીએ છીએ,અમેરિકા

વોશિંગ્ટન,યુએસએ યુએન સુરક્ષા પરિષદ સહિત યુએનની તમામ સંસ્થાઓમાં સુધારાને સમર્થન આપ્યું છે.એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના યુએનએસસીમાં ભારતની કાયમી બેઠક અંગેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું.

આ દરમિયાન તેમણે જવાબ આપ્યો કે રાષ્ટ્રપતિ જો બિડેને અગાઉ પણ આ વિશે વાત કરી હતી. યુએન સેક્રેટરીએ પણ આ વિશે જણાવ્યું છે. અમે ચોક્કસપણે યુએન સુરક્ષા પરિષદ સહિત યુએન સંસ્થાઓના સુધારાને સમર્થન આપીએ છીએ. આ માટે શું પગલાં લેવાશે ? મારી પાસે આ અંગે વધુ માહિતી નથી. અમને લાગે છે કે આમાં સુધારાની જરૂર છે. હકીક્તમાં, જાન્યુઆરીમાં, મસ્કે ભારત માટે યુએનમાં કાયમી બેઠક ન મળવાને વાહિયાત ગણાવી હતી.

યુએનમાં ભારતને કાયમી સીટ ન મળવા પર એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરી હતી કે, ’કેટલાક પાસાઓ પર સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. યુએનમાં ભારતની કાયમી બેઠક નથી. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતને કાઉન્સિલમાં કાયમી બેઠક આપવામાં આવી નથી. આ વાહિયાત છે. આફ્રિકાને પણ કાયમી બેઠક આપવી જોઈએ.

ભારત લાંબા સમયથી વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ૧૫ દેશોની બનેલી છે. તેમાંથી પાંચ સ્થાયી દેશો પાસે વીટો પાવર છે, જ્યારે ૧૦ અસ્થાયી દેશો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. પાંચ સ્થાયી દેશોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે.

ભારતમાં લોક્સભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા ઢંઢેરામાં પાર્ટીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકની વાત પણ કરી છે. અગાઉ જાન્યુઆરીમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ પર ભાર મૂક્યો હતો. તેણે આના પર કહ્યું હતું કે કેટલીકવાર વસ્તુઓ ઉદારતાથી કરવામાં આવે છે અને કેટલીકવાર તેને કોઈપણ કિંમતે હાંસલ કરવી પડે છે.