ઇસ્લામાબાદ, હવે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ) નો ઉપયોગ કરી શકશે નહીં. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં એકસ પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે અગાઉ પણ તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એકસ પર પ્રતિબંધ અંગે આદેશ જાહેર કર્યો હતો.
પાકિસ્તાને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુરક્ષાની ચિંતાઓને ટાંકીને પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ એક્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે પાકિસ્તાન સરકારે આ એક્સ પર લગાવેલા પ્રતિબંધની સત્તાવાર પુષ્ટિ કરી છે.જો કે, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે, સરકારને એલોન મસ્કની માલિકીની માઇક્રો બ્લોગિંગ સાઇટ એકસ પરનો પ્રતિબંધ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે પાકિસ્તાન સરકારને એક સપ્તાહની અંદર એકસ પરનો પ્રતિબંધ હટાવવા માટે કહ્યું છે.
પાકિસ્તાન સરકાર દ્વારા સિંધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, એકસ પ્લેટફોર્મના દુરુપયોગને કારણે, રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને દૂર કરવામાં એકસની નિષ્ફળતાને કારણે પ્રતિબંધ જરૂરી બની ગયો છે. જો કે હાલમાં એક્સ દ્વારા આ પ્રતિબંધ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણા પાકિસ્તાની યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, એકસનો ઉપયોગ ન કરી શકવાની સમસ્યા અંગેની વિગતો શેર કરી હતી. એટલે કે આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૪થી ઠનો ઉપયોગ કરી શક્તા ન હતા. રિપોર્ટ અનુસાર, ટ્વિટર પાકિસ્તાનમાં ફેબ્રુઆરી ૨૦૨૪થી કામ કરી રહ્યું નથી. પાકિસ્તાનમાં લાદવામાં આવેલો આ પ્રતિબંધ પુષ્ટિ કરે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લાંબા સમયથી પાકિસ્તાનમાં સસ્પેન્ડ છે. ઘણા વપરાશર્ક્તાઓએ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક દ્વારા એકસ પર પ્રતિબંધની પુષ્ટિ પણ કરી છે.
ટ્વિટર પર લગાવેલા પ્રતિબંધ અંગેની વિગતોમાં એવુ છે કે, પાકિસ્તાનમાં ગત ૮ ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન સરકારે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરી દીધા હતા. પાકિસ્તાનમાં મતદાનના દિવસે આખો દિવસ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, ચૂંટણી પછી, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગ્યા હતા. પરંતુ વપરાશર્ક્તાઓ ટ્વિટરને એક્સેસ કરવામાં સક્ષમ ન હતા. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે, પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીને એકસ પ્લેટફોર્મની સેવા પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર દ્વારા એકસની સેવા પુન:સ્થાપિત કરવામાં આવી ન હતી. હવે સરકારે એકસને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.