મુંબઇ, ’ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’, ’ચંદ્રકાંતા’, ’યુગ’, ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા ઘણા લોકપ્રિય શોમાં અને બિગ બી, અક્ષય કુમાર, અજય દેવગન અને રિતિક રોશન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર શાહબાઝ ખાન ફરી એકવાર ચર્ચામાં છે. શાહબાઝ ખાને કહ્યું છે કે હવે તેને કામ નથી મળી રહ્યું. તેણે આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર્સને જવાબદાર ઠેરવ્યા છે. ટીવી દર્શકોને શાહબાઝ ખાનનું નામ ચોક્કસથી યાદ હશે. શાહબાઝે હિન્દી ટીવી શોમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. તેણે દૂરદર્શનના શો ’બેતાલ પચીસી’માં બેતાલની ભૂમિકા ભજવી હતી. લોકો તેમને ’ચંદ્રકાંતા’ના પાત્ર કુંવર વીરેન્દ્ર વિક્રમ સિંહના નામથી પણ ઓળખે છે. તેણે ’મહારાજા રણજીત સિંહ’, ’યુગ’ અને ’ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ જેવા ઘણા લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે.
ટીવી બાદ શાહબાઝે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તે ’મેજર સાહેબ’, ’રાજુ ચાચા’, ’ધ હીરો’ અને ’એજન્ટ વિનોદ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. હવે શાહબાઝે પોતાનું દર્દ શેર કર્યું છે. તેણે કહ્યું છે કે હવે તેને ઈન્ડસ્ટ્રીમાં કામ નથી મળી રહ્યું. આ માટે તેણે આજના કાસ્ટિંગ ડિરેક્ટર્સને જવાબદાર ઠેરવ્યા હતા.
એક વાતચીત દરમિયાન શાહબાઝે કહ્યું, ’જે કાસ્ટિંગ ડિરેક્ટર આવ્યા છે તેમના પોતાના ગ્રુપ છે. પક્ષપાત ઘણો છે. અમારા જેવા કલાકારો, જેમણે ભૂતકાળમાં કામ કર્યું છે અને આ ઈન્ડસ્ટ્રીમાં જ જીવન વિતાવ્યું છે, તેમને જૂથવાદને કારણે તક નથી મળતી.’
આ સાથે જ એમને એમ પણ કહ્યું કે આ ફક્ત તેની સાથે જ નહીં પરંતુ ઘણા કલાકારો સાથે થઈ રહ્યું છે, ’મારા જેવા ઘણા કલાકારો છે જેમને કામ મળવું મુશ્કેલ બન્યું છે.’ શાહબાઝે લોકપ્રિય શો ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કામ કર્યું છે. તે છેલ્લે શેમારૂ ટીવીના શો ’તુલસીધામ કે લડ્ડુ ગોપાલ’માં જોવા મળ્યો હતો.