વિસનગરથી ચોટીલા સંઘમાં જતા પદયાત્રીનું નદાસા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત

મહેસાણા, વિસનગરના સલાટવાડાથી ચોટીલા ખાતે પગપાળા સંઘ નિકળ્યો હતો. જેમાં વહેલી સવારે સંઘની આગળ ચાલતા બે પદયાત્રી પૈકી એકને વહેલી સવારના અંધારામાં નદાસા ગામ પાસે અજાણ્યા વાહનની ટકકરે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

વિસનગરના દીપડા દરવાજા પાસે રહેતા રોહિતભાઈ દેવીપૂજક અને વિપુલભાઈ સહિતના તેમના મિત્રો શહેરના સલાટવાડા માંથી ચોટીલા જવા નીકળેલ મિસ્ત્ર્રી સમાજના સંઘમાં ચાલતા દર્શને જવા નીકળ્યા હતા. જેઓ સંઘમાં મહેસાણાથી બેચરાજી હાઇવે પર જતાં વહેલી સવારે નદાસા ગામ પાસે એક અજાણ્યા વાહને વહેલી સવારના અંધારામાં પદયાત્રી વિપુલભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

કારની અડફેટે વિપુલભાઈ ઉછળીને રોડની બાજુમાં જઈ જાળીઓમાં પટકાયા હતા. જેથી તેમની સાથે ચાલતા રોહિતભાઇએ તેમની નજીક જઈને જોતા વિપુલભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન થઈ ગયા હતા. જેથી અન્ય યાત્રિકોને અકસ્માતની જાણ કરાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યાત્રિકને સારવાર અર્થે ખસેડવામાં આવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માત સર્જનાર કાર ચાલક પણ ઘટના સ્થળેથી વાહન લઈ ભાગી છૂટયો હતો. ત્યારે અકસ્માત મામલે રોહિતભાઈની ફરીયાદ આધારે સાંથલ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.