મહારાષ્ટ્રની કેટલીક બેઠકોમાં ભાજપ, એકનાથ શિંદે અને અજીત પવાર વચ્ચે પેચ ફસાયો

મુંબઇ, મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની પાંચ બેઠકો પર મતદાન થશે. ૪ જૂને મતગણતરી થશે. આ દિવસે સ્પષ્ટ થઈ જશે કે દેશના વડાપ્રધાન કોણ બનશે.એક તરફ મહારાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે, તો બીજી તરફ મહાયુતિની અંદર ઘણી એવી બેઠકો છે જ્યાંથી ભાજપ, એનસીપી કે શિવસેનાએ ઉમેદવારોની જાહેરાત કરી નથી અને ન તો સીટની વહેંચણી થઈ છે કે એ બેઠકો પરથી કોણ ચૂંટણી લડશે?

મહાયુતિ ગઠબંધનની અંદર આ બેઠકો પર હાલમાં મૂંઝવણ છે. તે બેઠકો રત્નાગીરી-સિંધુદુર્ગ, ઔરંગાબાદ, નાસિક, થાણે, પાલઘર, મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર મધ્ય છે. ભાજપ અને શિવસેના બંને રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પર દાવો કરી રહ્યા છે. ભાજપ તરફથી નારાયણ રાણે દાવેદાર છે, જ્યારે શિવસેના તરફથી કિરણ સામંત પણ ટિકિટ ઇચ્છે છે. રત્નાગીરી-સિંધુદુર્ગમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૯મી એપ્રિલ છે.

સૂત્રોએ માહિતી આપી છે કે આખરે મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ મહાગઠબંધનમાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. ભાજપ ૩૦ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને ૧૨ બેઠકો મળી છે. અજિત પવારની એનસીપી ૬ બેઠકો પર ચૂંટણી લડશે.