સુખસર,
દાહોદ જિલ્લામાં દેવદિવાળીના પર્વની ઉજવણી ધામધુમ રીતે કરવામાં આવે છે. દરેક ગામોમાં અલગ અલગ તારીખે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. દેવ દિવાળીના પર્વને લઈ જિલ્લામાં અઠવાડિક હાટ ભરાતા તેમાં ગ્રામિણ પ્રજા દ્વારા તહેવારને લઈ સામગ્રીની ખરીદી કરી હતી. દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી આજે પણ અકબંધ રીતે જળવાઈ રહી છે. આદિવાસી સમાજમાં ઉજવાતા દેવ દિવાળીના પર્વનુ પણ એક ખાસ મહત્વ રહેલુ છે. આ પર્વમાં આદિવાસી સમાજ દ્વારા પોતાના દેવોની પુજા કરવામાં આવે છે. ખેતર, પશુધન અને તેઓની સુરક્ષા તેમજ સુખ, સમૃદ્ધિ, અને સલામતી માટે પ્રાર્થના અર્ચના કરવામાં આવે છે ત્યારે પશુધનને રંગવામાં આવે છે. ઢેબરા, ભજીયા, પુરી જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.
આનંદ અને ઉલ્લાસ સાથે પોતાના પરિવાર સાથે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દેવ દિવાળી દરેક વિસ્તારમાં અલગ અલગ દિવસે ઉજવાતી હોય એકબીજાને ગામે જઈ ત્યોહાર ઉજવવાનો લ્હાવો પણ મળી આવે છ. દેવ દિવાળીને આદિવાસી સમાજ દ્વારા ચોૈદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પુર્વજોની યાદમાં શીરા(કોતરણી કરેલા પથ્થર)ગામના કે ખેતરના પાદરે સ્થાપવામાં આવે છે. પરિવારજનો ગ્રામજનો પુજા વિધિ કરે છે. મહિલાનો વેશ ધારણ કરી નાચગાન કરે છે.