કચ્છની ધરા ધણધણી: નોંધાયો ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભુજ, કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે એટલે કે ગુરુવારે બપોરે ૧:૩૬ મિનિટે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૩.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ૩૦ કીમી દૂર નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ બપોરના સમયે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પશ્ચિમ કચ્છના વિસ્તારમાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.બપોરના ૨.૫૧ કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. ૨૦૨૨માં ૪થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો. ૨૦૨૩માં ગુજરાતમાં ૪.૦થી વધુ તીવ્રતાના ૪ ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં ૨, ખાવડા પંથકમાં ૧, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે ૨૦૨૧માં ૪.૦ની તીવ્રતાના ૭ ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.