મની લોન્ડરિંગ કાયદા હેઠળ દાયકામાં ૧.૨૧ લાખ કરોડની સંપત્તિ જપ્ત

નવીદિલ્હી, કેન્દ્રમાં ૨૦૧૪માં મોદી સરકાર સત્તારૂઢ બન્યાં પછી છેલ્લાં ૧૦ વર્ષમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની સર્ચ કાર્યવાહીમાં ૮૬ ગણો તથા ધરપકડ અને સંપત્તિની જપ્તીમાં આશરે ૨૫ ગણો ઉછાળો આવ્યો છે.જુલાઈ ૨૦૦૫થી માર્ચ ૨૦૧૪ તથા એપ્રિલ ૨૦૧૪થી માર્ચ ૨૦૨૪ વચ્ચેના ડેટાના વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ૨૦૦૨માં ઘડવામાં હતો અને તેનો અમલ પહેલી જુલાઈ ૨૦૦૫થી થયો હતો.

વિપક્ષ વારંવાર આક્ષેપ કરી રહ્યાં છે કે છેલ્લા દાયકા દરમિયાન ઈડ્ઢની કાર્યવાહી કેન્દ્ર સરકારની દમનકારી રણનીતિનો એક હિસ્સો છે. જોકે કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ ભારપૂર્વક જણાવે છે કે એજન્સી સ્વતંત્ર છે અને ઇડી માત્ર યોગ્યતા પર આધારે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરે છે.

ઈડીએ છેલ્લા દસ વર્ષમાં આશરે ૫,૧૫૫ પીએમએલએ કેસ દાખલ કર્યાં હતા. આની સામે ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ૧,૭૯૭ કેસ દાખલ થયાં હતાં. આમ આ સમયગાળામાં ઇડીના કેસોમાં આશરે ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. ઇડી ૨૦૧૪માં પ્રથમ વખત આરોપોને કોર્ટમાં સાબિત કર્યા હતાં અને અત્યાર સુધી ૬૩ આરોપીઓને મની લોન્ડરિંગ કાયદા હેઠળ સજા થઈ છે.

ઈડીએ ૨૦૧૪-૨૦૨૪ના સમયગાળા દરમિયાન દેશભરમાં મની લોન્ડરિંગના કેસોમાં ૭,૨૬૪ સર્ચ કાર્યવાહી અથવા દરોડા પાડ્યા હતા, જે અગાઉના સમયગાળામાં માત્ર ૮૪ હતાં. આમ દરોડાની સંખ્યામાં પણ ૮૬ ગણો ઉછાળો છે. વધુમાં ઇડીએ છેલ્લાં દાયકામાં ૭૫૫ લોકોની ધરપકડ કરી છે અને આશરે ૧,૨૧,૬૧૮ કરોડની કુલ સંપત્તિ જપ્ત કરી છે. આની સરખામણીમાં કોંગ્રેસના શાસન હેઠળના સમયગાળામાં ૨૯ વ્યક્તિની ધરપકડ થઈ હતી અને રૂ.૫,૦૮૬.૪૩ કરોડની સંપત્તિ જપ્ત થઈ હતી. આમ છેલ્લાં દાયકામાં ધરપકડોમાં ૨૬ ગણો અને સંપત્તિની જપ્તીમાં ૨૪ ગણો ઉછાળો આવ્યો છે.

એજન્સીએ છેલ્લા એક દાયકા દરમિયાન વિવિધ પ્રકારની સ્થાવર અને જંગમ સંપત્તિ માટે ૧,૯૭૧ કામચલાઉ જપ્તી આદેશો જારી કર્યા હતાં. આની સામે અગાઉના નવ વર્ષમાં આવા ૩૧ ઓર્ડર જારી કર્યાં હતા. ખાસ બાબત એ છે કે છેલ્લાં એક કાયદામાં જારી કરેલા કુલમાંથી ૮૪ ટકા આદેશોને કોર્ટે યોગ્ય ઠેરવ્યાં હતા. અગાઉના સમયગાળામાં આ પ્રમાણ ૬૮ ટકા હતું. ચાર્જશીટ ફાઈલ કરવામાં પણ છેલ્લા એક દાયકામાં ૧૨ ગણો ઉછાળો જોવા મળ્યો છે. ઇડીએ આ સમયગાળામાં ૧,૨૮૧ કેસોમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. અગાઉના સમયગાળામાં ૧૦૨ ચાર્જશીટ ફાઇલ થઈ હતી.