જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતનો શુભારંભ

નડિયાદ,ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં મુખ્ય સંરક્ષક અને મુખ્ય ન્યાયમૂર્તિ . સુનીતા અગ્રવાલ તથા એક્ઝીક્યુટીવ ચેરમેન બિરેન એ. વૈષ્ણવ દ્વારા મંજુર કરાયેલ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની પ્રણાલી ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જીલ્લા મુખ્ય મથકે આવેલ કોર્ટોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે, જેમાં ખેડા જીલ્લાનાં મુખ્ય મથક નડીઆદ ખાતે આવેલ જીલ્લા ન્યાયાલય ખાતે પણ આ સુવિધા સ્થાપિત કરવામાં આવેલ છે, આ તમામ જીલ્લા મુખ્ય મથકે સ્થાપિત કરવામાં આવેલ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સુવિધાનો શુભારંભ આવતીકાલે તા.19/04/2024 શુક્રવારનાં રોજ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ . સુનીતા અગ્રવાલનાં વરદ હસ્તે પ્રત્યક્ષ/ઓનલાઈન કરવામાં આવનાર છે, જીલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે આ સુવિધાનો શુભારંભ કાર્યક્રમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ અંજારીઆના અધ્યક્ષસ્થાને જીલ્લા ન્યાયાલય નડીઆદ ખાતેનાં તમામ ન્યાયાધીશઓ, જીલ્લા સરકારી વકીલ, નડીઆદ બાર એસોસિયેશનનાં પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, કર્મચારીગણ સહિત પક્ષકારોની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

આ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની પ્રણાલીની કામગીરી વિષે વિસ્તૃત માહિતી આપતાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એન.એ.અંજારીઆએ જણાવ્યું હતું કે આ પ્રણાલી શરૂ થવાથી વૈવાહિક જીવનને લગતાં વિવાદો જેવા કે ભરણપોષણ કેસો, વૈવાહિક ઝઘડાનાં કેસો, ઘરેલું હિંસાનાં કેસો તથા છૂટાછેડા સહિતનાં વૈવાહિક જીવનને લગતાં કેસો કોર્ટમાં દાખલ કરતાં પહેલા આ વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટેની કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવશે અને મધ્યસ્થીકરણ દ્વારા આ વિવાદોનો સુખદ અને સમાધાનકારી નિરાકરણ લાવવાં માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવશે. આ સુવિધા અને કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કુટુંબપ્રથાને મજબુત બનાવવાનો, સુખમય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા તમામ પ્રકારના વૈવાહિક વિવાદોનો ઉદભવતાંની સાથે જ નિરાકરણ લાવવાનો છે. આ પ્રક્રિયામાં વૈવાહિક વિવાદોનાં નિરાકરણમાં પારંગત હોય તેવા મધ્યસ્થીઓની સેવાઓ આપવામાં આવશે તથા આ સંપૂર્ણ પ્રક્રિયા ગોપનીય/ગુપ્ત, નિષ્પક્ષ, બિનખર્ચાળ અને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. જેથી સમાજનાં કોઈપણ કુટુંબનાં સભ્યો કે કોઈપણ પ્રકારનાં મતભેદ, વિવાદ, પડકારો, તણાવ કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ તો તેઓના આ વિવાદોનાં સરળ, ઝડપી અને બિનખર્ચાળ નિરાકરણ માટે જીલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે કાર્યરત થનાર વૈવાહિક વિવાદોનાં નિરાકરણ માટે કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં પોતાની રજૂઆત મૂકી પોતાનાં વિવાદનો સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવાં માટે અપીલ કરેલ છે.