પંચમહાલ લોકસભા બેઠક ઉપર આજે બહુ જન સમાજ પાર્ટીના ઉમેદવાર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

ગોધરા,પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર દ્વારા પોતાનું ફોર્મ જીલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શૈલેષ ઠાકર ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગોધરા અને લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ની માંગણી કરી હતી પરંતુ ભાજપ દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. જ્યારે લોકસભા 2024 ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પંચમહાલ લોકસભા બેઠક માટે તેઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ શૈલેશ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલની રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારિત મેરીટ પ્રમાણે ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે, જે લોકશાહીના મૂલ્યોને વિપરીત છે. ઓછા ભણતર ધરાવતા ઉમેદવારો અને જાતિ આધારિત મેરીટ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવે છે. જેને લઈને તેઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને લોકસભા 2024 ની ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓને લઈને તેઓ લોકો સમક્ષ જશે અને ચૂંટણી પ્રચાર કરશે.