સંજેલીના ઝાલોદ રોડ સહિત વિવિધ માર્ગો પર સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો, તંત્રની બેદરકારી સામે આવી

  • નગરના વિવિધ માર્ગો પર કચરાએ માજા મૂકી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો.
  • સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નબળું પુરવાર નીવડ્યું.

સંજેલી, સંજેલી નગરના વિવિધ માર્ગો પર ઠેર ઠેર કાદવ કીચડ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રાથમિક સુવિધા એ નાગરિકોની મૂળભૂત અધિકાર છે. જેને આપવા માટે સંજેલી પંચાયત તંત્ર બિલકુલ નબળું પુરવાર સાબિત થયું છે. ઝાલોદ રોડ, મિલવાળી ચાલી ફળિયું, રાજમહેલ રોડના મુખ્ય માર્ગ તરફ ગટરના ગંદા પાણીએ નદીઓની માફક રોડ પર વહેતા જોવા મળ્યા હતા. જેને લઇ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવાનો વારો પડ્યો હતો. એવીજ રીતે નગરના વિવિધ માર્ગો પર જાહેર માર્ગો કચરાના ઢગલાઓ જોવા મળ્યા હતા.

સંજેલી પંચાયત તંત્રનું વહીવટી સધ્ધત્તર બિલકુલ ખાડે ગયો છે, વાત કરવામાં આવે તો નાગરિકોનો પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ખાતે અનેકોવાર રજુઆત કરવામાં આવતી હોય છે. ત્યારે પંચાયત તંત્ર હરકતમાં આવતું હોય છે, પરંતુ પરિસ્થિત જેસે થે વેસે જોવા મળી રહી છે. નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વલખાઓ મારવા પડી રહ્યા છે. સંજેલી સરપંચ સહિત તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. નિયમિત રૂપે સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાઓનો લાભ આપવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.