દાહોદ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં મિલ્કત એફીડેવીટમાં પાંચ વર્ષમાં 3 લાખનો વધારો દર્શાવ્યો

દાહોદ, દાહોદ લોકસભાના કોંગ્રેસના સાંસદ પ્રભાબેન તાવીયાડે આજરોજ પોતાની ઉમેદવારી નોંધાંવવાની સાથે સાથે પોતાના મિલ્કતનું એફીડેવીટ પણ ચુંટણી પંચ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં 2023-24માં તેઓએ પોતાની મિલ્કત રૂા.10,96,960 દર્શાવી હતી. ત્યારે ગત લોકસભા ચુંટણી દરમ્યાન તેઓની મિલ્કત રૂા.7,01,161 ચુંટણી પંચ સમક્ષ દર્શાવી હતી જેમાં પાંચ વર્ષમાં 03 લાખ ઉપરાંતની મિલ્કતમાં વધારો દર્શાવવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લામાં લોકસભાની ચુંટણીના પડઘમ શરૂ થઈ ગયાં છે. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષને મજબુત બનાવવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પોતાની જીતના દાવાઓ કરી રહ્યાં છે. પાર્ટીને વિજય બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર એવા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા રેલી તેમજ જાહેર સભા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું ત્યારે આજરોજ દાહોદ જિલ્લા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારી ર્ડા. પ્રભાબેન તાવીયાડ દ્વારા આજરોજ ભવ્ય રેલી સાથે જાહેર સભાને સંબોધી પોતાનું ઉમેદવારી ફોર્મ ચુંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે પોતાની મિલ્કતનું એફીડેવીટ પણ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019-20 દરમ્યાન રૂા.9,89,038 રૂપીયાની મિલ્કતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020-21માં રૂા.9,46,310, વર્ષ 2021-22માં રૂા.8,71,940, વર્ષ 2022-23માં 8,82,400 અને વર્ષ 2023-24માં રૂા.10,96,960નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે ર્ડા. પ્રભાબેન તાવીયાડના પતિ ર્ડા. કિશોરસિંહ તાવીયાડની મિલ્કતની વાત કરીએ તો વર્ષ 2019-20 દરમ્યાન રૂા.7,01,161 રૂપીયાની મિલ્કતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020-21માં રૂા.6,45,670, વર્ષ 2021-22માં રૂા.6,39,940, વર્ષ 2022-23માં 3,20,060, વર્ષ 2023-24માં રૂા.3,96,050નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.