દિવડાકોલોની સંઘરીમાં વાસ્મો યોજના પુર્ણ થતાં નળ કનેકશન અપાયા પાણી નહિ

દિવડાકોલોની, સંઘરી ગામમાં 1.50 કરોડની વાસ્મો યોજના પુર્ણ છતાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. અધિકારીઓ અને એજન્સીના ભોગે સરકારના કરોડો રૂપિયાનુ પાણી પહોંચાડવાનુ આયોજન નિષ્ફળ રહ્યુ હતુ.

કડાણા તાલુકાના સંઘરી ગામમાં રૂ.1.50 કરોડની વાસ્મો યોજનાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સંપુર્ણ નાણાં ચુકવ્યા છતાં અધિકારીઓ અને એજન્સીની મિલીભગતથી આ યોજના નિષ્ફળ નીવડી હતી. જેથી હાલ ઉનાળો શરૂ થતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભ્રષ્ટાચારના ભોગે આખા ગામમાં માત્ર પાઈપો દબાઈ ધરઆંગણે નળના ડંડા ઉભા કરી માત્ર ટેસ્ટિંગ પુરતુ ગ્રામજનોને પાણી બતાવી કરોડો રૂપિયા પંચાયત અને કોન્ટ્રાકટર દ્વારા ઉપાડી લીધા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે 200 જેટલા પરિવારોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણીને લઈ મુશ્કેલી સર્જાઈ રહી છે. સંઘરી ગામના ટીંબા ફળિયાની અંદર 100 જેટલા મકાનની વસ્તીમાં માત્ર એક જ હેન્ડપંપ પરથી પાણી લેવા માટે નિર્ભર રહેલા છે. સવારે 8 વાગ્યાથી હેન્ડપંપ ઉપર પાણી ભરવા માટે લાંબી કતારો જામે છે. 1 કલાક પછી વારાફરતી પાણી ભરવાનો વારો આવતો હોય છે. જેમાં ગૃહિણીઓનો સમય બર્બાદ થઈ તડકો વેઠી પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે.