ભારતની વસતી ૧૪૪ કરોડ પર પહોંચી ગઈ છે : યુએનનો રિપાર્ટ

નવીદિલ્હી, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક રિપોર્ટ અનુસાર ભારતની વસતી ૧૪૪ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેમાં ૦-૧૪ વર્ષની વયના લોકોની સંખ્યા ૨૪ ટકા છે.

૨૦૧૧માં થયેલી છેલ્લી જનગણના અનુસાર ભારતની વસતી ૧૨૧ કરોડની હતી. આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પ્રસવ દરમિયાન થતાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૦-૧૯ વર્ષની વયના લોકોનું પ્રમાણ ૧૭ ટકા છે. ભારતની કુલ વસતીમાં ૧૦-૨૪ વર્ષની વયના લોકોનું પ્રમાણ ૬૮ ટકા છે, જ્યારે ૬૫ અને તેથી વધારે વયના લોકોની સંખ્યા સાત ટકા છે. ભારતમાં પુરુષોની જીવન પ્રત્યાશા ૭૧ વર્ષ અને મહિલાઓ માટે ૭૪ વર્ષ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ૩૦ વર્ષમાં યૌન અને પ્રજનન સ્વાસ્થ્યમાં જે પ્રગતિ થઈ છે તેમાં દુનિયાભરના સૌથી છેવાડાના સમુદાયોને મોટાભાગે નજર અંદાજ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ભારતમાં ૨૦૦૬થી ૨૦૨૩ની વચ્ચે બાળલગ્નની ટકાવારી ૨૩ ટકા હતી.

ભારતમાં પ્રસવ દરમિયાન થનારા મોતમાં ઘટાડો જોવા મળ્યો છે. પીએલઓએસ ગ્લોબલ પબ્લિક હેલ્થના રિપોર્ટનો રેફરન્સ આપતાં જણાવ્યું હતું કે દેશમાં ૬૪૦ જિલ્લાઓમાં પ્રસર દરમિયાન થનારા મોતનું પ્રમાણ દર એક લાખ જીવિત જન્મ સામે ૭૦ કરતાં પણ નીચું છે. ૧૧૪ જિલ્લામાં આ રેશિયો ૨૧૦થી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિવ્યાંગ મહિલાઓ અને છોકરીઓ, શરણાર્થીઓ, જાતીય અલ્પસંખ્યકો, સમલૈંગિક સમુદાયના લોકો, એચઆઈવીથી પીડિત તથા વંચિત જાતિઓને સૌથી વધારે યૌન અને પ્રજનન સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડે છે.