હૈદરાબાદ, લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલ એટલે આવતીકાલે થવાનું છે ત્યારે હૈદરાબાદમાં મતદાર યાદીમાંથી ૫.૪૧ લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ રિલીઝ કરીને આ અંગેનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું.
હૈદરાબાદ જિલ્લામાં ૧૫ વિધાનસભા બેઠકો આવેલી છે અને પંચે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ મતદાર યાદીમાંથી ૫.૪૧ લાખ કરતા પણ વધારે મતદારોના નામ કાઢી નાખ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના કારણોમાં તેમનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર અને નામની બે વાર નોંધણી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ એક પ્રસે રિલીઝમાં જણાવ્યું હતું કે હૈદરાબાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર મતદાર યાદીની સચોટતા સુનિશ્ર્ચિત કરવા સખત મહેનત કરી રહ્યું છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ર્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જાન્યુઆરી ૨૦૨૩થી હૈદરાબાદ જિલ્લાની ૧૫ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૪૭,૧૪૧ મૃત મતદારો, ૪,૩૯,૮૦૧ સ્થાળાંતરિત મતદારો અને ૫૪,૨૫૯ ડુપ્લિકેટ મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચની સૂચનાને પગલે કુલ ૫,૪૧,૨૦૧ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
હૈદરાબાદ જિલ્લાના ૧૫ વિધાનસભા મતવિસ્તારો હૈદરાબાદ અને સિકંદરાબાદ લોક્સભા મતવિસ્તારનો ભાગ છે. હૈદરાબાદ લોક્સભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કે માધવી લતાએ અગાઉ દાવો કર્યો હતો કે મતવિસ્તારમાં છ લાખથી વધુ નકલી મતદારો છે. માધવીએ આરોપ લગાવ્યો હતો કે ઓવૈસી નકલી મતો દ્વારા ચૂંટણી જીતે છે.
હૈદરાબાદ જિલ્લામાં કુલ ૧,૮૧,૪૦૫ મતદારોની ઓળખ કરવામાં આવી છે જેમના ઘરના નંબરો સુધારી દેવામાં આવ્યા છે. એક પરિવારમાં વિભાજિત મતદારોને એક મતદાન મથક પર લાવવા માટે જિલ્લામાં કુલ ૩,૭૮,૭૧૩ સુધારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં ૧૭ મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં લોક્સભાની ૧૭ બેઠકો છે. હૈદરાબાદમાં પણ ૧૭મી મેના રોજ મતદાન થશે.
અહીં મુખ્ય સ્પર્ધા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના માધવી લતા વચ્ચે માનવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯માં ઓવૈસીએ ભાજપના ઉમેદવારને ૨ લાખ ૮૨ હજાર ૧૮૬ મતોથી હરાવ્યા હતા. અહીં ભાજપ બીજા સ્થાને રહી હતી. વર્ષ ૨૦૧૪માં ઓવૈસી ૨૮૨૧૮૬ મતોથી જીત્યા હતા