ભારતમાં રાજકીય તાપમાનની સાથે જ હવામાનનું તાપમાન પણ ઝડપથી વધવા લાગ્યું છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં લૂનો પ્રભાવ શરૂ થઈ ગયો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે પોતાના તાજા પૂર્વાનુમાનમાં મહારાષ્ટ્ર, ઉત્તર ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પશ્ર્ચિમ બંગાળ સહિત કેટલાય રાજ્યોમાં લૂ પ્રકોપ વરસાવશે તેવી ચેતવણી જારી કરી છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં આકરી ગરમીથી રાહત રહેશે, પરંતુ મોટાભાગના વિસ્તારો દિવસના સમયે તપશે. કેટલીક જગ્યા પર વાદળો પણ છવાયા છે, પરંતુ વાદળ હટતાં જ તાપમાન આકરું બનવાના એંધાણ છે. બિહારના લગભગ એક ડઝન જિલ્લામાં લૂનો માહોલ છે, પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. ઉત્તર પ્રદેશના પણ અનેક જિલ્લામાં પારો ૪૦ ડિગ્રી પાર પહોંચવા લાગ્યો છે. તાપમાન કે લૂની ચિંતા આ વર્ષે એટલા માટે પણ વધારે છે, કારણ કે આ ચૂંટણીની સિઝન છે. મોટા પાયે લોકોનું આવાગમન થશે અને સભાઓનું આયોજન થશે. અનેક જગ્યાઓ પર હજારો લકોની ભીડ ભેગી થશે અને લોકોને પરેશાની થશે. એવામાં જો તાપમાન ૪૦ કે ૪૫ને પાર રહે છે તો સંકટ વધી જશે.
હવામાન પ્રતિકૂળ થવાથી ચૂંટણી પ્રચારની સાથે જ મતદાન ટકાવારી પણ પ્રભાવિત થઈ શકે છે. જોકે આ કોઈ નવી વાત નથી, ગત દાયકાઓથી લોક્સભા ચૂંટણી માર્ચ-એપ્રિલ-મેમાં જ થતી આવી છે, પરંતુ તાપમાનને યાનમાં રાખતાં બધાએ સાવધ રહેવું પડશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર મે મહિનો ઉગ્ર રહેશે. ચિંતા એટલા માટે પણ વધુ છે કે ગયું વર્ષ ૨૦૨૩ વર્ષ ૧૯૦૧ બાદ સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. શું ૨૦૨૪થી આપણે રાહતની આશા રાખી શકીએ છીએ? આ વર્ષે ગરમીમાં કેટલાક વિસ્તારોમાં પારો ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર પણ જઈ શકે છે. શહેરોને વિશેષ રૂપે પાણીની વ્યવસ્થા રાખવી પડશે. આવનાર દિવસોમાં અધિક્તમ તાપમાનનું અનુમાન ન લગાવી શકાય, પરંતુ આવનાર વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આ વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્યથી વધુ ચોમાસુ વરસાદ થવાની સંભાવના છે. યાન રહે, ગયા વર્ષે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થયો હતો, તેથી આ વખતે સામાન્યથી વધુ વરસાદ કોઈ ખુશખબરથી ઓછું નથી. પૂર્વાનુમાન અનુસાર દેશભરમાં વરસાદની કુલ માત્રા પાંચ ટકાની ત્રુટિની આશંકા સાથે લાંબી અવધિના સરેરાશના ૧૦૬ ટકા રહેશે. જોકે મેના અંતમાં હવામાન વિભાગ વરસાદ સાથે જોડાયેલ સુનિશ્ર્ચિત અનુમાન લગાવવામાં સક્ષમ થશે. હાલમાં સમુદ્રી તાપમાનના ચીલમાં અપેક્ષિત બદલાવ અને ઉત્તર ગોળાર્ધમાં બરફની માત્રા જોતાં સામાન્યથી વધારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં ભૂમયરેખીય પ્રશાંત ક્ષેત્રમાં મયમ અલ નીનોની સ્થિતિ બનેલી છે. દેશમાં સામાન્યથી વધુ ચોમાસાની ૩૧ ટકા સંભાવના છે. જ્યારે સામાન્યથી ઓછા ચોમાસાની ૮ ટકા સંભાવના છે અને કમજોર ચોમાસાની માત્ર બે ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં આપણે હવામાન વિશે સમગ્રતામાં વિચારવું જોઇએ. વધુ ગરમી પણ યોગ્ય નથી અને વધુ વરસાદ પણ, પરંતુ જળવાયુ પરિવર્તનના જે હાલ છે તે અનુસાર આપણે બંને પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઇએ. સાથે જ એક વાર ચોક્કસ વિચારવું જોઇએ કે અત્યધિક તાપમાન કે અત્યધિક વરસાદની સ્થિતિથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. ચૂંટણી સમયમાં પર્યાવરણ કે હવામાન રાજનીતિનો કેન્દ્રીય વિષય ભલે ન બન્યો હોય, પરંતુ લોકો માટે આ વિષય મહત્ત્વપૂર્ણ હોવો જોઇએ.