નવીદિલ્હી, હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની ચેતવણી આપી છે. આ સાથે, ૧૮ થી ૨૧ એપ્રિલની વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વીજળી અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. આઇએમડી અનુસાર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૮ થી ૨૧ એપ્રિલની વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ૨૧ એપ્રિલ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગરમ પવનોને કારણે તાપમાનનો પારો વધી શકે છે. દરિયા કિનારે આવેલા રાજ્યોમાં ગરમીની સાથે ભેજ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજ રહેવાની શક્યતા છે. ગોવામાં પણ ગરમીની સાથે ભેજથી લોકોની મુશ્કેલી વધી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ કારણે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે. જોકે, ૨૦ એપ્રિલ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થવાની શક્યતા છે. મય ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વના મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જો કે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના રાજ્યોમાં હવામાન સામાન્ય રહેવાની ધારણા છે. ૧૬ એપ્રિલે ઝારખંડના ડાલ્ટનગંજ શહેરમાં પારો સૌથી નીચો હતો. મંગળવારે અહીં તાપમાન ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગે પણ હીટસ્ટ્રોકથી બચવા માટેના ઉપાયો આપ્યા છે. અગાઉ હવામાન વિભાગે માહિતી આપી હતી કે ૨૦૨૪માં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.