જય શ્રી રામ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે આખું ઝાલોદ નગર ગુંજી ઉઠયું

  • ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવ અંતર્ગત આન બાન શાન થી ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી.
  • નગરના લોકોએ હાથમાં ભગવા સાથે તેમજ ભારતીય પહેરવેશ સાથે અનેરૂં આકર્ષણ ઉભું કર્યું.

દાહોદ,ભગવાન રામનો આ જન્મોત્સવ નગરના લોકો માટે વિશેષ છે કેમકે ભગવાન શ્રી રામને અંદાજીત 500 વર્ષ પછી અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે તંબુ માંથી મહેલમાં સ્થાન મળ્યું છે અને મહેલમાં સ્થાન મળ્યા બાદ આ પ્રથમ રામ જન્મોત્સવ હોવાથી રામજીના ભક્તો માટે આ ઉત્સવ વિશેષ છે. રામનવમી આખા ઝાલોદ નગરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ચૈત્ર સુદ નોમના દિવસે ભક્તિ ભાવ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામે આદર્શ રામરાજ્યની સ્થાપના કરી હતી. જેને આજે પણ સહુ ધાર્મિક ભાવના સાથે જોડાયેલ દરેક હિન્દુ લોકો યાદ કરે છે. રામનવમી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે હિન્દુ ધર્મનો સૌથી મહત્વનો તહેવાર ગણવામાં આવે છે.

આજરોજ તારીખ 17-04-2024 બુધવારના રોજ નગરના દરેક મંદિરોમાં બપોરે 12 વાગે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશેષમાં ગીતા મંદિર ખાતે હવન તેમજ ભજન કિર્તન કરવામાં આવેલ હતા તેમજ ટીટોડી આશ્રમ ખાતે ભીલોડી રામાયણનુ આયોજન કરવામાં આવેલ હતું. ગીતા મંદિર ખાતે શ્રી રામ ભગવાનનો ભવ્ય રથ સજાવવામા આવેલ હતો. ત્યાર બાદ રથમા બિરાજેલ શ્રી રામ ભાગવાનની મહાઆરતી કરી નગરનના વિવિધ માર્ગો પર નીકળ્યો હતો.

નગરના રાજમાર્ગો પર ડી.જે.ના તાલે જય શ્રી રામના ગગનભેદી નારા તેમજ હાથમાં ભગવો ધ્વજ લઈ યુવાઓ નાચતા ઝુમતા જોવા મળ્યા હતા. આખું નગર રથયાત્રા દરમ્યાન ભગવામય થઈ ગયેલ હતું. આખી શોભાયાત્રા ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી. નગરના દરેક માર્ગો પર રથયાત્રામાં જોડાયેલ લોકો માટે ઠંડા પાણી તેમજ ઠંડાપીણાની વ્યવસ્થા હિન્દુ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા વિવિધ માર્ગો પર રામ ભગવાનની શોભાયાત્રા દરમ્યાન પુષ્પ વર્ષા પણ કરવામાં આવતી હતી.

સાંજ પછી થયેલ ઓછા લાઈટની વચ્ચે ડી.જે ની લાઈટ સાથે ભક્તિમય ભજનો પર દરેક લોકો નાચતા ઝુમતા જોવા મળતા હતા. તેમજ રથયાત્રામાં જોડાયેલ દરેક લોકોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હતો. શોભાયાત્રા દરમ્યાન ડી.જે લાઇટ તેમજ મોબાઈલની ફ્લેશ લાઇટની વચ્ચે ભગવા ધ્વજ સાથે નાચવાની યુવાનોમાં અલગ જ જોશ જોવા મળતો હતો. વિશેષમાં 500 વર્ષ પછી અયોધ્યામાં રામજી ભગવાનને મહેલમાં સ્થાન મળ્યું એના પછી આ પહેલો જન્મ ઉત્સવ હોવાથી ભક્તોમા આનંદ જોવા મળતો હતો. રથયાત્રા દરમ્યાન સ્વેચ્છાએ અમુક બાળકો અને યુવાઓ દ્વારા અલગ અલગ ઝાંખીનુ પ્રદર્શન નયનરમ્ય લાગતું હતું. આ શોભાયાત્રા ટીટોડી આશ્રમ ખાતે પૂરી થતાં ત્યાં મહાઆરતી કરવામાં આવી હતી, તેમજ નગરના સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ દરેક લોકો માટે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આખી શોભાયાત્રા નગરમાં ખૂબ જ શાંતિ પૂર્વક ભક્તિ ભર્યા વાતાવરણમા સંપન્ન થઈ હતી. નગરના લોકો સ્વેચ્છાએ મોટા પ્રમાણમાં રથયાત્રા જોડે હિન્દુ એકતાનુ પ્રદર્શન કર્યું હતું. આ રથયાત્રામા મહિલાઓ, બાળકો, યુવાઓ, વડીલો ભારતીય પહેરવેશમા જોડાયા હતા.

ઝાલોદ પોલીસ દ્વારા રામનવમી નિમિત્તે નગરના દરેક માર્ગો પર આખો દિવસ પેટ્રોલીંગ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના માર્ગો પર ફરી હતી. ઝાલોદ પોલીસ દ્વારા રામજીની શોભાયાત્રા દરમ્યાન ડ્રોન કેમેરા, વિડિયો શૂટિંગ તેમજ સાદા વેશમાં પોલીસને રાખી યાત્રાની સુંદર સુરક્ષા વ્યવસ્થા સાચવી હતી.