શહેરા થી પાનમ ડેમ અને ઊંડારા ગામ તરફ જતો 35 ગામોને જોડતો રસ્તો બિસ્માર

  • પાનમ પાટીયા થી પાનમ ડેમ અને ઊંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન
  • ડામર રસ્તો પાછલા એક વર્ષ ઉપરાંત થી ખાડા પડી જવા સાથે વાહન ચાલકો માટે કમરતોડ સાબિત થઈ રહયો..

શહેરા,શહેરાના પાનમ પાટીયાથી પાનમ ડેમ અને ઊંડારા ગામ તરફ જતો 35 ગામોને જોડતા રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. એક વર્ષ કરતા વધુ સમયથી ડામર રસ્તો બિસ્માર હોવાથી નવીન નહી બનતા વાહન ચાલકોનો આક્રોશ સબંધિત તંત્ર સામે જોવા મળી રહયો હતો.

શહેરા લુણાવાડા હાઇવે ઉપર પાનમ ટોલ પ્લાઝાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો બિસ્માર બની ગયો છે.પાનમ પાટીયા થી ગઢ થઈને ઊંડારા અને પાનમ ડેમ સહિત 35થી વધુ ગામોને જોડતા આ ડામર રસ્તા ઉપર પાછલા એક વર્ષ ઉપરાંત થી મસ મોટા ખાડા પડી ગયા હોવા સાથે વાહનોને પણ નુકશાન જતું હોય છે. આ રસ્તા ઉપર દિવસ અને રાત્રી દરમિયાન વાહનો ની અવર-જવર રહેતી હોવા સાથે રસ્તો પણ ઉબડખાબડ થઈ ગયો હોય ત્યારે સબંધિત તંત્ર દ્વારા અહી કોઈ મોટી ઘટના બને તેની રાહ દેખી રહયુ હોય કે પછી શુભ મુહૂર્ત આવે ત્યારે રસ્તાની કામગીરી કરાશે કે શું ? અહીથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો બની રહયા હોય ત્યારે કોઈ મોટી ઘટના અહી બને તે પહેલા સબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને રસ્તાની કામગીરી કરે તેવી આશા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ રાખી રહયા હતા. પાનમ ડેમ અને ઊંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયેલ હોવાથી અહીંથી પસાર થતી વખતે વાહન ચાલકોનો સમય પણ વધારે જતો હોવાથી સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ પણ જોવા મળે તો નવાઈ નહી, જોકે, જીલ્લા તેમજ રાજ્યભરમાંથી અનેક લોકો આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય નીહાળવા માટે આવતા હોય તેમ છતાં સબંધિત તંત્ર દ્વારા રસ્તા બાબતે ગંભીરતા લેવામાં કેમ નહીં આવી એવા અનેક સવાલો અહીં આવતા પર્યટકોમાં પણ ચર્ચાઇ રહ્યા હતા. સંબંધિત તંત્ર દ્વારા ચોમાસાની ઋતુ આવતા પહેલા રસ્તાની મરામત કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહયુ હોય ત્યારે જોવુંજ બન્યું કે ઉપરોક્ત આ બાબતને લઈને સંબંધિત તંત્રના અધિકારીઓ ગંભીરતા લેશે કે પછી હોતી હે ચાલતી હૈ એમજ ચલાવશે કે શું? અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો હોય એમ કહીએ તો નવાઈ નહી..