નવીદિલ્હી, ઈડીએ ઝારખંડ જમીન કૌભાંડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) નેતા અંતુ તિર્કી પણ સામેલ છે. તપાસ એજન્સીએ તિર્કી સિવાય પ્રિયરંજન સહાય, રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિપિન સિંહ અને ઇરશાદની ધરપકડ કરી છે. આ પહેલા તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ તેમની મોડી રાત્રે રાંચી સ્થિત ઈડી ઓફિસે લઇ જવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી. ઈડી હેમંત સોરેન વિરૂદ્ધ રાંચીમાં ૮.૮૬ એકર જમીન મેળવવાના કેસમાં તપાસ કરી રહી છે. ED નો આરોપ છે કે પૂર્વ મુખ્યમંત્રીએ ગેરકાયદેસર રીતે આ જમીનને પોતાના નામે કરાવી છે. આ કેસમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓના નામ સામે આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક કેસમાં તપાસ એજન્સીએ પૂછપરચ બાદ લોકોની ધરપકડ પણ કરી છે.
ઈડીએ કૌભાંડની તપાસ મામલે વધુ એક વ્યક્તિની મંગળવારે ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ અફશાર અલી તરીકે થઇ છે, જે પહેલાથી જ મની લૉન્ડ્રિંગના કેસમાં કસ્ટડીમાં છે. તપાસ એજન્સીએ કોર્ટ પાસે પરવાનગી બાદ નવા કેસમાં અફશારની ધરપકડ કરી છે. અફશાર અલી પર આરોપ છે કે તે હેમંત સોરેન અને રાજસ્વ વિભાગના પૂર્વ ઉપ ડિરેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ વિરૂદ્ધ નોંધાયેલા કેસમાં મુખ્ય આરોપી સાથે મળેલો છે.