
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લાના માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળેલી મોટી સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોના ઓપરેશનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે.
આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ ૨૯ નક્સલીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. જેમાં નક્સલવાદી નેતા શંકર રાવ પણ સામેલ છે. આ અથડામણમાં બીએસએફના ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે હું ઘાયલ થયેલા બહાદુર પોલીસકર્મીઓના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
અમિત શાહે આગળ લખ્યું કે, નક્સલવાદ એ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના ડંખથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારની આક્રમક નીતિ અને સુરક્ષા દળોના પ્રયાસોને કારણે આજે નક્સલવાદનો પ્રભાવ નાના ક્ષેત્ર સુધી જ રહ્યો છે. ટૂંક સમયમાં છત્તીસગઢ અને આખો દેશ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.
મંગળવારે સુરક્ષા દળોએ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.એ જણાવ્યું કે કાંકેર જિલ્લાના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હાપટોલા ગામના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ૨૯ નક્સલીઓને ઠાર કર્યા હતા.
સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદી શંકર, લલિતા, રાજુ અને તેમના સાથી ઉત્તર બસ્તર વિભાગના છોટાબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બીનાગુંડા અને કોરોનાર ગામો વચ્ચેના હાપટોલા ગામની આસપાસ હાજર છે. આ પછી બપોરે ૨ વાગ્યાની આસપાસ, જાવાએ હાપટોલા ગામના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખૂબ જ સાવચેતીરીતે ધીમે ધીમે આગળ વયા હતા. આ દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી જેમાં ૨૯ નક્સલવાદીઓ માર્યા ગયા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી ૨૯ નક્સલવાદીઓના મૃતદેહો પાસેથી એકે-૪૭ રાઈફલ, એસએલઆર રાઈફલ, ઈન્સાસ રાઈફલ અને ૩૦૩ બંદૂકો સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. બસ્તર લોક્સભા ક્ષેત્રમાં પ્રથમ તબક્કા હેઠળ ૧૯ એપ્રિલે મતદાન થશે. તે પહેલા સુરક્ષા દળો આ ઓપરેશનને મોટી સફળતા માની રહ્યા છે.