અંબાજીમાં પહેલીવાર સફાઈ કામદારોની સુરક્ષામાં બાઉન્સર મૂકાયા

અંબાજી, ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી યાત્રાધામની ગલીઓમાં આજે અજીબ નજારો જોવા મળ્યો. અંબાજીના રસ્તાઓ પર બાઉન્સર્સની ફૌજ ગોઠવાઈ હતી. રસ્તાની સફાઈ કરી રહેલા સફાઈ કામદારોની આસપાસ આ બાઉન્સર્સ ફરી રહ્યા હતા. હવે તમને જાણીને નવાઈ લાગશે કે, આ બાઉન્સર્સ કોઈ નેતા કે સ્ટારની સુરક્ષા માટે નહિ, પણ સફાઈ કામદારોની સુરક્ષા માટે અંબાજી ખાતે તૈનાત કરાયા છે. આ પ્રથમ એવી ઘટના હશે જ્યાં બાઉન્સરોની સુરક્ષા સાથે સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયા ના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજીની સાફ સફાઈ માટેનું ટેન્ડર અપાયું છે. જે ટેન્ડર હાલ વેસ્ટર્ન કંપનીને અપાતા અગાઉની કામ કરતી કંપનીના કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી હતી. જેથી વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓ ઉપર હુમલો કરાયો હતો અને તેનો વીડિયો પણ વાયરલ બન્યો હતો. રાજદીપ એજન્સીના છુટા કરાયેલા કામદારોએ વેસ્ટર્ન કંપનીના કામદારો ઉપર હુમલો કર્યો હતો.

આ બાબતને યાને લઇ વેસ્ટર્ન કંપનીના સંચાલકો દ્વારા અંબાજીમાં સાફ અને સુપરવિઝનની કામગીરી કરતા કર્મચારીઓ માટે આ બાઉન્સરો તૈનાત કરાયા છે. જેમાં ૫ મહિલા અને ૫ પુરુષો એમ કુલ ૧૦ બાઉન્સરો સફાઈ કામદારોને સુરક્ષા પુરી પાડી રહ્યા છે. હાલમાં અંબાજી ખાતે બહારગામથી સફાઈ કામદારો અંબાજી સફાઈ કામગીરી માટે આવે છે. બહારથી આવતા આ સફાઈ કામદારો ઉપર ફરી કોઈ તત્વો દ્વારા હુમલાની ઘટના ન બને તેવા હેતુસર સફાઈ કામદારો બાઉન્સરોની નિગરાણીમાં સફાઈ કામગીરી કરી રહ્યાં છે.

જોકે આ બાબતે મંદિર ના વહીવટદાર અને અધિક કલેક્ટરે પણ પ્રતિક્રિયા અપાતા જણાવ્યું હતું કે, અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ને તેવામાં અંબાજી ધામની સાફ સફાઈ રાખી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે. જેથી અંબાજી સાફ સુથરું રહે ને યાત્રિકોની પણ આરોગ્ય ની સુખાકારી જોખમાય નહિ. પણ જુના કર્મચારીઓ દ્વારા જે હુમલાની ઘટના બની હતી તે નિંદનીય છે. તેને લઇ પોલીસમાં ફરિયાદ પણ કરાઈ છે. સાથે સફાઈ કામગીરી કરતી કંપનીએ પોતાના કર્મચારી માટે ખાનગી એજન્સીના રક્ષકો પણ મુક્યા છે.

હાલ તબક્કે આ સફાઈ કામગીરીને લઈ જે હુમલાની ઘટના બની હતી, તેને લઇ મોટાભાગના કર્મચારીઓ જે બહારના હતા તેઓ ચાલ્યા ગયા છે. તેમાંથી હાલ માત્ર ૨૦ કામદારો આ સફાઈ કામગીરી કરી રહ્યાં છે.