મુંબઇ, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિભાગે પુષ્ટિ કરી છે કે તેઓએ સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. પોલીસ આ અંગે પણ કડક પૂછપરછ કરશે. આરોપીઓની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મસીહીના ૨૪ વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને ૨૧ વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે.
આ મામલે સત્તાવાર નિવેદન આપતા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, ’ગોળીબાર બાદ મુંબઈથી ભાગી ગયેલા બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે.’ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે બંને આરોપીઓને પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. એક જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચને બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આ માટે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઘટના સ્થળના અનેક સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને આરોપીઓની ઓળખ કરી. અગાઉના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગોળીબાર કરનારા બે આરોપીઓમાંથી એકની વિરુદ્ધ છેડતી, હત્યા વગેરે જેવા ઘણા ગંભીર કેસ નોંધાયેલા છે.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરતા પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. વર્ષ ૨૦૨૨માં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સલમાનને ધમકી આપી હતી, ત્યારબાદ તેને વાય-પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન કોલ્સ, ઈમેલ અને પત્રો પણ મળ્યા હતા. હવે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કડક તપાસ શરૂ કરી છે.જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બરારે સલમાન ખાનને મારવાની ઘણી વખત જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિશ્નોઇ અને બરારે અભિનેતાને મારવા માટે તેમના શૂટર્સ મુંબઈ મોકલ્યા હતા. લોરેન્સ બિશ્ર્નોઈની ગેંગ ૧૯૯૮ના કાળિયાર શિકારના કેસને કારણે સલમાન ખાનને નિશાન બનાવી રહી છે. બિશ્નોઇ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે.