દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો કરાયા

દાહોદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે કેટલાંક આદેશો કર્યા છે. તદ્દનુસાર, શસ્ત્રો, દંડા, તલવાર, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ ફરવું નહીં. કોઇ પણ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવો નહી.

પથ્થર અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેંકવાના ધકેલવાના યંત્રો, સાધનો સાથે લઇ જવા નહીં, એકઠા કરવા નહી તથા તૈયાર કરવા નહીં, મનુષ્યોની આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી, અપમાનિત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બીભત્સ સુત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી. ટોળામાં ફરવું નહીં.

તેમજ છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની મનાઇ છે.

આ જાહેરનામું ધાર્મિક વિધિ કે મરણોત્તર ક્રિયાને, ફરજ પરના અધિકારી, કર્મચારીઓને લાગુ પડશે નહી. આ જાહેરનામું આગામી તા. 10-12-2022 સુધી અમલમાં રહેશે.