ગાંધીનગરમાં અધિકારી ૨ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

ગાંધીનગર, ગાંધીનગરમાં છાલા ગામ ખાતે ફરિયાદીએ પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવવા ગ્રામ પંચાયત ગયા હતા પરંતુ તલાટી કમ મંત્રીએ રૂપિયા ૨ લાખની માગ કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપ્યો છે.

ફરીયાદીએ સસરા અને તેમના ભાઈઓના નામે વડીલોપાર્જીત જમીનમાં પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવી આપવા ગ્રામ પંચાયતમાં ગયા હતા. પણ આરોપી હઠીસિંહ કાનજીભાઈ સોલંકીએ પેઢીનામું કરાવવા ફરીયાદી પાસે રૂપિયા ૨ લાખની માંગણી કરી હતી. ફરિયાદી અને આરોપીની રકઝકના અંતે રૂપિયા ૫૦ હજાર આપવાના નક્કી થયા હતા.

આરોપી તલાટી કમ મંત્રી તરીકે માધવગઢ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતો હતો. લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી લાંચની ફરિયાદ એસીબી કરી હતી. એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપીએ સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા પકડાઈ જતાં ગુનો કબૂલ્યો હતો.