નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર0, નડિઆદની કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનાં સહયોગથી નડિયાદ ખાતે આવેલ લક્ષ્મી સ્નેકસ પ્રા. લી.(રીયલ બાઈટસ)માં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતાં કર્મચારી/કામદારોને લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની શપથ લેવડાવવામાં આવી હતી. વધુમાં, ઔદ્યોગિક એકમમાં મતદાન સંદર્ભે સિગ્નેચર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું અને ઔદ્યોગિક એકમોમાં સંકલ્પ પત્રો અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઔદ્યોગિક એકમનાં અધિકૃત વ્યકિતને તેઓનાં એકમમાં કામ કરતાં રાજ્યનાં/રાજ્ય બહારનાં કર્મચારી/કામદારો મતદાનનાં દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા માહિતગાર કર્યા.
આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં એસ. એન. સબાસરા, જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નડિયાદ, જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક રીતેશભાઈ તથા ઔદ્યોગિક એકમનાં મેનેજર અને ઔદ્યોગિક એકમમાં કામ કરતા કુલ 400 થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો.