- ઈન્સ્ટાગ્રામ,ફેસબુક તથા ટ્વીટર પર પોસ્ટર-બેનર થકી મહત્તમ મતદાનની અપીલ.
- રેડિયો પરથી ઓડિયો મેસેજ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશને અપાતો વેગ.
ગોધરા,સોશિયલ મીડિયા આજે માહિતીના પ્રચાર-પ્રસારનું ખૂબ પ્રભાવશાળી માધ્યમ છે. અનેક યુવાનો-નાગરિકો તેનો વ્યાપક ઉપયોગ કરે છે, ત્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે યુવાનો તેમજ નાગરિકોને પ્રેરિત કરવા પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર આશિષ કુમારના નિર્દેશમાં ડિજીટલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર તંત્રના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ પોસ્ટ થકી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંદેશ અપાય છે.
ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ વધારવા તથા મતદાન અંગે જાગૃતિ લાવવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ સોશિયલ મીડિયા પર ભાર મૂકીને યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સ્વીપ એક્ટિવિટી અંતર્ગતપંચમહાલના 93.1 ટોપ એફ.એમ રેડિયો પરથી પણ ઓડીયોના માધ્યમથી મતદાન જાગૃતિ માટેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.આ સાથે જીલ્લામાં વિવિધ વિસ્તારમાં ફરતા 21 ગાર્બેજ વ્હીકલ દ્વારા પણ ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં રીક્ષા ફેરવીને ઓડિયા મારફતે સંદેશો તો જીલ્લામાં વિવિધ શાળાઓ, કોલેજો ખાતે રંગોળી,ચિત્ર,પોસ્ટર સ્પર્ધા,સેલ્ફી પોઇન્ટ તો આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય વિભાગ ખાતે પણ વિશેષ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.ભવાઈ થકી પણ લોકોને મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવો સાથે મળીને 7 મેના અચૂક મતદાન કરીએ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે.