આતંકને જવાબનો ‘નિયમ’

એક એવા સમયે જ્યારે પાકિસ્તાન ભારત માટે ખતરો બનેલા આતંકીઓને પોષી રહ્યું છે અને છાશવારે કાશ્મીરમાં તેમની ઘૂસણખોરી કરાવવાની પણ કોશિશ કરતું રહે છે, ત્યારે એવી કોઈ સ્પષ્ટ વાતની જરૂર હતી કે આતંકીઓને જવાબ આપવાનો કોઈ નિયમ હોઈ જ ન શકે, કારણ કે આતંકીઓ પણ કોઈ નિયમને નથી માનતા. વિદેશ મંત્રી જયશંકરે આ નિવેદન આપતાં એનો પણ ઉલ્લેખ કર્યો કે કઈ રીતે મુંબઈમાં ભીષણ આતંકી હુમલા બાદ તત્કાલીન મનમોહન સરકાર પાકિસ્તાન વિરુદ્ઘ કાર્યવાહી કરવાને લઈને કેટલાય વિચાર-વિમર્શ બાદ પણ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે તેના વિરુદ્ઘ કોઈ પગલું ન ભરવું જ બહેતર છે! આ નિષ્કર્ષ પર પહોંચીને મનમોહન સરકારે ન માત્ર ભારતની કમજોરી ઉજાગર કરી હતી, બલ્કે પાકિસ્તાનના દુસ્સાહસને વધારવાનું પણ કામ કર્યું હતું. તેનાં પરિણામ સારાં ન આવ્યાં અને ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી હુમલા સહન કરતા રહેવું પડ્યું. પાકિસ્તાનની સાન ઠેકાણે ત્યારે આવી જ્યારે પુલવામામાં આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી. આના પહેલાં ભારતીય સેના સીમા પાર જઈને સર્જીકલ સ્ટ્રાઇક પણ કરી ચૂકી હતી. એ સાચું કે મોદી સરકારની નીતિઓને કારણે પાકિસ્તાનના દુસ્સાહસનું દમન થયું છે, પરંતુ તેણે હજી પોતાની જમીન પર ચાલી રહેલા આતંકના એ અડ્ડા બંધ નથી કર્યા, જ્યાં જેહાદી તૈયાર થાય છે અને જે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા રહે છે. કાશ્મીરમાં હજુ પણ આતંકી ગમે ત્યારે માથું ઊંચકે છે. એવામાં તેને સમયે સમયે ચેતવતા રહેવું જરૂરી છે.

એ મહત્ત્વપૂર્ણ છે કે વિદેશ મંત્રી પહેલાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સ્પષ્ટ શબ્દોમાં એમ કહી ચૂક્યા છે કે જો આતંકી ભારતમાં કોઈ હુમલો કરીને સીમા પાર ચાલ્યા જાય છે તો ત્યાં પણ તેમને છોડવામાં નહીં આવે. પહેલાં રક્ષા મંત્રી અને હવે વિદેશ મંત્રીની આ બેધડક વાતોનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે, કારણ કે હાલમાં જ એક બ્રિટિશ અખબારે એવો દાવો કર્યો છે કે ભારતે પાકિસ્તાનમાં લગભગ ૨૦ આતંકવાદીઓને ઠેકાણે પાડી દીધા છે. ભારત સત્તાવાર રૂપે તો એવા કોઈ દાવાની પુષ્ટિ નથી જ કરવાનું, પરંતુ આનાથી સારું બીજું શું હોય કે પાકિસ્તાન એ સમજવા લાગ્યું છે કે આતંકવાદ મામલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ભારતની નીતિ બદલાઈ ચૂકી છે અને જો તે પોતાની હરક્તો નહીં છોડે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાને બ્રિટિશ અખબારનો ઉલ્લેખ કરીને રોદણાં પણ રડ્યાં છે, પરંતુ તેનું ક્યાંય કોઈ સાંભળતું એટલા માટે નથી કે તે આતંકી સંગઠનોને સંરક્ષણ આપવાનું કામ કરતું રહ્યું છે. એવામાં ભારત માટે એ યોગ્ય છે કે તે પાકિસ્તાન પર દબાણ બનાવી રાખે.