જી-૭ દેશોએઇઝરાયેલ સામે ઇરાનના સીધા અને અણધાર્યા હુમલાઓની નિંદા કરી

વોશિગ્ટન, જી-૭ દેશોના નેતાઓએ ઇઝરાયેલ સામે ઇરાનના સીધા અને અણધાર્યા હુમલાઓની સખત નિંદા કરતા કહ્યું કે આ હુમલાથી પ્રદેશમાં અનિયંત્રિત તણાવ વધવાનો ભય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મામલે ચર્ચા કરવા માટે આ હુમલાઓને પગલે ઈમરજન્સી બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. ઈરાને કહ્યું કે તેણે સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ૧ એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ રવિવારે કહ્યું કે ઈરાને શનિવારે મોડી રાત્રે હુમલો કર્યો અને તેના પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડી દીધી. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી જેમાંથી ૯૯ ટકા હવામાં નાશ પામ્યા હતા.

જી-૭ દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા એક કોન્ફરન્સ કોલ પછી એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાં દ્વારા ઈરાને ક્ષેત્રને અસ્થિર કરવાની દિશામાં આગળ વયું છે અને અનિયંત્રિત ક્ષેત્રીય તણાવને ઉશ્કેરવાનું જોખમ ઊભું કર્યું છે. આ ટાળવું જોઈએ. અમે પરિસ્થિતિને સ્થિર કરવા અને તણાવને વધતો અટકાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. “અમે માંગણી કરીએ છીએ કે ઈરાન અને તેના સહયોગીઓ તેમના હુમલાઓ બંધ કરે અને અમે વધુ અસ્થિર પહેલના જવાબમાં વધુ કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ,” ઈરાન દ્વારા શનિવારે ઈઝરાયેલ પરના હુમલાના એક દિવસ બાદ જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

જી-૭ જૂથમાં અમેરિકા, ઇટાલી, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે. જૂથે ઇઝરાયેલ અને તેના લોકો માટે સંપૂર્ણ એક્તા અને સમર્થન વ્યક્ત કર્યું અને તેની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાની પુન: પુષ્ટિ કરી. બિડેને જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે ફોન દ્વારા ઇઝરાયેલ સામે ઈરાનના અણધાર્યા હુમલા અંગે ચર્ચા કરવા માટે પણ વાત કરી હતી. ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને સુરક્ષા પરિષદના સભ્યો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ઈમરજન્સી બેઠક યોજશે. ઈઝરાયેલે આ બેઠક માટે વિનંતી કરી છે જેનો એજન્ડા ‘પશ્ર્ચિમ એશિયામાં સ્થિતિ’ હશે.