મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા માટે અત્યાર સુધીની સફર ઘણી મુશ્કેલ સાબિત થઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર્દિક બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો, ત્યારે તેને નબળી કેપ્ટનશિપ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની ૧૭મી સીઝન માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી, ત્યારથી ફ્રેન્ચાઈઝી અને પંડ્યા બંને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરી રહ્યા છે. હવે જ્યારે આ સિઝન ટીમ માટે સારી નથી ચાલી રહી ત્યારે કેવિન પીટરસન અને સુનીલ ગાવસ્કરે પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને તેના ફોર્મની આકરી ટીકા કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની સદી છતાં ૨૦ રને મેચ હારી ગઈ હતી. આ મેચમાં હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી વધુ ટીકા થઈ રહી છે, જે સીએસકેની ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો અને તેણે ૨૬ રન આપ્યા હતા. આ મેચ બાદ ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ ખેલાડી કેવિન પીટરસને હાર્દિક ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેને જોઈને સ્પષ્ટ થાય છે કે તે એક્ટિંગ કરી રહ્યો છે.
કેવિન પીટરસને સ્ટાર સ્પોર્ટ્સ પર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે કહ્યું કે મને લાગે છે કે આ સમયે રમતની બહાર જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તે પ્રભાવિત થઈ રહ્યો છે. જ્યારે મેં તેને ટોસના સમયે જોયો ત્યારે સ્પષ્ટ દેખાતું હતું કે તે જબરદસ્તીથી હસતો હતો, એવું લાગતું હતું કે તે અભિનય કરી રહ્યો છે. આ સમયે તે બિલકુલ ખુશ નથી. હું ત્યાં ગયો છું અને હું કહી શકું છું કે તેની તેના પર અસર થઈ રહી છે. જ્યારે ધોની તેના બોલ પર સિક્સર ફટકારતો હતો, ત્યારે તમે સ્ટેડિયમમાં હાર્દિક ની સામે અવાજ સાંભળી શકો છો. તે ભારતીય ખેલાડી પણ છે અને તેને લાગણીઓ પણ છે. જો તેની સાથે આ રીતે વ્યવહાર કરવામાં આવે તો તેને ફરક પડશે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સની ટીમની હાર બાદ બોલર અને કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની આકરી ટીકા કરી હતી. ગાવસ્કરે કહ્યું કે મેં લાંબા સમય પછી આવી ખરાબ બોલિંગ જોઈ છે. હાર્દિક ને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ હતો કે તેની પાસે એવી બોલિંગ છે કે જેના પર ધોની સરળતાથી સિક્સર ફટકારી શકે, તો પણ તમે તેને એવી લેન્થ બોલિંગ કરી રહ્યા છો કે જેના પર કોઈ પણ બેટ્સમેન આવી સ્થિતિમાં બોલ ફેન્સ સુધી પહોંચાડી શકે. બોલિંગ સામાન્ય કરતાં સાવ નીચે હતી અને મેચમાં તેની કેપ્ટનશિપ પણ ઘણી નબળી રહી હતી.