મુંબઇ, સલમાન ખાનના બાંદરામાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર થયેલા ફાયરિંગને લઈને પૂજા ભટ્ટે પોલીસની સલામતી-વ્યવસ્થા પર જ સવાલ ઊભા કર્યા છે. ગઈ કાલે સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બાઇક પર સવાર બે વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલાની જવાબદારી ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલે લીધી છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું કે આ તો તને ટ્રેલર દેખાડવા માટે હતું.
આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. અગાઉ પણ સલમાનને ધમકીઓ મળી હતી અને એથી તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસે હવે CCTV ફુટેજ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સલમાનનો પરિવાર ચિંતિત બની ગયો છે. ઘટનાની જાણ થતાં જ અરબાઝ ખાન તેની વાઇફ શૂરા ખાન સાથે સલમાનને મળવા પહોંચ્યો હતો. તો તેની બહેન અપતા ખાન પણ તેના હસબન્ડ આયુષ શર્મા સાથે ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પહોંચી ગઈ હતી. ફાયરિંગની ઘટનાની નિંદા કરતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પૂજા ભટ્ટે લખ્યું, ‘આ ઘટના ખરેખર ડરામણી અને નિંદનીય છે. આવી ઘટના ત્યારે ઘટી છે જ્યારે સલમાન ખાનના ઘરની બહાર સલામતી માટે પોલીસની વૅન ઊભી હતી. એથી એમ કહી શકાય કે સુરક્ષા એક ભ્રમ જેવી લાગે છે. બાંદરામાં સખત સુરક્ષા-વ્યવસ્થાની જરૂર છે. થોડા સમય પહેલાં લૂંટફાટની ઘટનાઓ વધી હતી અને હવે શૂટઆઉટ? અતિશય ડર લાગે છે.’
સલમાન ખાનની ‘બિગ બૉસ ઓટીટી ૩’ આ વર્ષે નહીં બનાવવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. ‘બિગ બૉસ’નું આ ડિજિટલ વર્ઝન છે. એવી ચર્ચા હતી કે ૧૫ મેથી આ શો શરૂ થવાનો છે. જોકે મેર્ક્સે આ વર્ષે આ શોને પડતો મૂકવાનો નિર્ણય લીધો છે. એનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. મેર્ક્સ તરફથી એ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. આ શોની પહેલી સીઝનને કરણ જોહરે હોસ્ટ કરી હતી. એની વિજેતા ઍક્ટ્રેસ દિવ્યા અગરવાલ રહી હતી. બાદમાં એની બીજી સીઝન સલમાને હોસ્ટ કરી હતી અને યુટ્યુબર એલ્વિશ યાદવ વિજેતા બન્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે ‘બિગ બૉસ ઓટીટી ૩’ માટે અંક્તિા લોખંડેના હસબન્ડ વિકી જૈનને અપ્રોચ કરવામાં આવ્યો હતો.