અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં મહિલાને કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ કર્યું

અમદાવાદ, શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી મહિલાને યુવકે સલૂનના ધંધામાં નોકરી પર રાખી હતી. બાદમાં તેને ધંધામાં ભાગીદાર બનાવી હતી. જોકે એક દિવસ મહિલા અને તેનો ભાગીદાર સલુનમાં એકલા હતાં તે સમયે મહિલાની તબિયત લથડતા આરોપી યુવકએ તેને દવા લાવીને આપતા જ મહિલા બેહોશ થઇ ગઇ હતી. બાદમાં યુવકે સલૂનનુ શટર પાડીને મહિલાને રુમમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. જો આ બાબતની જાણ કોઇને કરશે તો તેના નગ્ન ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. જોકે અંતે આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાએ વાપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે.

બોડકદેવ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલા સલુનની દુકાન ધરાવીને ધંધો કરે છે. વર્ષ ૨૦૨૧માં તેની મિત્રતા વાપુરમાં સલૂન ધરાવતા એક યુવક સાથે થઇ હતી અને મહિલાએ તેના સલૂનમાં નોકરી શરૂ કરી હતી. યુવક તેને સારા પૈસા આપતો હતો. બાદમાં આરોપી યુવકે સલૂનમાં સારૂં એવું વળતર આપવાની લાલચ આપીને તેની સાથે વધારે મિત્રતા કરી હતી. ધંધામાં ભાગીદાર બનાવી હતી. એક દિવસ સાંજના સમયે મહિલા અને યુવક સલૂનમાં હાજર હતાં. તે દરમિયાન મહિલાની તબિયત સારી ન હતી. તાવ આવતો હોવાથી યુવકે તેને દવા લાવીને અપી હતી. જે દવા પીધા બાદ મહીલા બેહોશ જેવી થઇ ગઇ હતી. તેને ચક્કર આવવા લાગ્યા હતાં.

બાદમાં આરોપી યુવકે એકલતાનો લાભ લઇને સલૂનનુ શટર બંધ કરી મહિલાને સલુનના અંદરના રૂમમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. જો તે આ બાબતની જાણ કોઇને કરશે તો તેના નગ્ન ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં તે અવાર નવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. અને જો મહિલા ના પાડે તો તેની સાથે બોલાચાલી ઝઘડો કરતો હતો. મહિલા યુવકના ઘરે ગઇ ત્યારે તું ઘરે કેમ આવી છે તેમ કહીને તેણે અને તેની પત્નીએ બોલાચાલી ઝઘડો કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરી હતી. અંતે યુવકએ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે અંગે વાપુર પોલીસએ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.